ગાયના છાણની ચિપથી મોબાઈલનાં રેડિએશન અટકે છે એવા કથીરિયાના દાવાને 400 વિજ્ઞાનીઓએ પડકાર્યો

મુંબઈ, તા. 17 : રાષ્ટ્રીય કામધેનુ આયોગ (આરકેએ)ના ચૅરમૅન વલ્લભભાઈ કથીરિયાએ મંગળવારે એક ચિપ લોન્ચ કરી હતી. આ ચિપ ગાયના છાણ (ગોબર)માંથી તૈયાર કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે આ ચિપ મોબાઈલમાંથી નીકળતા રેડિયેશનને અટકાવે છે તેમ જ બીમારીઓથી બચાવે છે, પરંતુ 400થી વધારે વિજ્ઞાનીઓએ ખુલ્લા પત્રમાં કથીરિયાના તેમના માહિતીના સોર્સ સામે પ્રશ્ન કર્યો છે. આ પત્રમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-મુંબઈ, ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચ, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ રીસર્ચની સાથે સંકળાયેલા વિજ્ઞાનીઓએ આમાં સહી કરી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે 13 ઓક્ટોબરના કથીરિયાના પ્રવચનમાં તેમણે દાવો કર્યો હતો' કે છાણની બનેલી ચિપ કિરણોત્સાર' અટકાવે છે એ વિજ્ઞાન દ્વારા સિદ્ધ થયેલું છે. તો આના પ્રયોગ ક્યાં અને ક્યારે કરાયા હતા? આના મુખ્ય તપાસકારો કોણ હતા?' આ સંશોધનને ક્યારે પ્રગટ કરાયું છે? શું આ સંશોધન સામયિકમાં હતું? શું તમે તમારી માહિતી અને પ્રયોગની વિગતો આપી શકો?''
વિજ્ઞાનીઓએ કહ્યું હતું' કે આયોગ લોકોનાં નાણાંથી ચાલે છે માટે આ સંશોધન માટે અપાયેલા સરકારી ફંડ અને ફંડ આપનારની એજન્સીની માહિતી આપો.'
આ સંશોધનને લઈને વિજ્ઞાન જાથાના ચૅરમૅન જયંત પંડયાએ વિરોધ કરી જણાવ્યું છે કે કથીરિયાએ કરેલો દાવો એકદમ ખોટો છે. આ અંગે વૈજ્ઞાનિકોએ કથીરિયાને કરેલા ઇ-મેલના પણ કોઈ જવાબ આપવામાં આવ્યા નથી. તે લોકોમાં ભ્રામકતા ફેલાવે છે. ગાયમાતા પૂજનીય છે, પરંતુ તેના નામે ખોટી વાતો ફેલાવે એ યોગ્ય નથી. રાષ્ટ્રીય કામધેનુ આયોગ જાહેરમાં આવું રિસર્ચ બતાવે અને અમારી પેનલ સાથે ચર્ચા કરે. આ પ્રકારની સરકારી સંસ્થા અંધશ્રદ્ધા ફેલાવે છે. આ અંગે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.'
દાવા પ્રમાણે ગાયના ગોબરમાંથી બનેલી ચિપ એક રેડિયેશન ચિપ છે, જેનો મોબાઈલ ફોનમાં ઉપયોગ કરી શકાય છે, જેથી રેડિયેશન ઓછું કરી શકાય છે. આ ચિપનું નામ ગૌસત્વ કવચ છે. એને રાજકોટસ્થિત શ્રીજી ગૌશાળા દ્વારા તૈયાર કરવામાં આવી છે. વર્ષ 2019માં રચવામાં આવેલા કામધેનુ આયોગનો ઉદ્દેશ ગાયો તથા તેનાં વાછરડાં-વાછરડીનું રક્ષણ તથા વિકાસ કરવાનો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer