ક્યાં સુધી ભારતને સંયુક્ત રાષ્ટ્રના નિર્ણાયક માળખાથી દૂર રાખશો?

ક્યાં સુધી ભારતને સંયુક્ત રાષ્ટ્રના નિર્ણાયક માળખાથી દૂર રાખશો?
યુનોની અમૃતમહોત્સવી સભામાં મોદી
ભારતની રસી ઉત્પાદન ક્ષમતા વિશ્વને મદદરૂપ બનશે
સંયુક્ત રાષ્ટ્રસંઘ, તા. 26 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોના મહામારી સામેની લડતમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રતિસાદ અને જવાબદારી સામે સવાલ ઉઠાવ્યા હતા અને વૈશ્વિક સમુદાયને ખાતરી આપી હતી કે આ ઘાતક મહામારી સામેના જંગમાં માનવજાતને મદદ કરવા માટે ભારત પોતાની ઉત્પાદન ક્ષમતા અને (કોરોનાની રસીને) લોકો સુધી પહોંચાડવાની તાકાત કામે લગાડી દેશે.
યુનોની મહાસભાના 7પમા સત્રમાં સામાન્ય ચર્ચા દરમ્યાન પોતાના અગાઉથી રેકોર્ડ કરેલા વીડિયો નિવેદનમાં મોદીએ એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે સમગ્ર વિશ્વ છેલ્લા આઠથી નવ મહીનાથી આ મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે આ લડતમાં યુનાઈટેડ નેશન્સ ક્યાં છે? તેનો અસરકારક પ્રતિક્રિયા ક્યાં ગઈ? યુનોનો પ્રતિભાવ અને વ્યવસ્થા તેમજ સ્વરૂપમાં બદલાવ એ સમયની માંગ છે.  વડાપ્રધાને યુનોમાં કાયમી સભ્યપદનો મુદો્ પણ ઉઠાવીને સવાલ કર્યો હતો કે ક્યાં સુધી ભારતને સંયુક્ત રાષ્ટ્રોના નિર્ણયો લેતા માળખાથી દૂર રાખવામાં આવશે?
મોદીએ કહ્યું હતું કે મહામારી બાદની પરિસ્થિતિમાં અમે આત્મનિર્ભર ભારતના વિઝન સાથે આગળ વધી રહ્યા છીએ. ભારતમાં એ બાબત સુનિશ્ચિત કરવામાં આવે છે કે તમામ યોજનાઓનો લાભ કોઈ પણ ભેદભાવ વિના નાગરિકોને મળે.
તેમણે જણાવ્યું હતું કે સૈથી મોટા રસીના ઉત્પાદક દેશ તરીકે આજે હું વૈશ્વિક સમુદાયને ખાતરી આપવા માગું છું કે ભારતમાં વેક્સિનનું ઉત્પાદન અને લોકો સુધી રસી પહોંચાડવાની ક્ષમતા સમગ્ર માનવતાને આ સંકટમાંથી બહાર કાઢવામાં ઉપયોગી બનશે. ભારતે પોતાનો સ્વાર્થ જોવાને બદલે સમગ્ર માનવજાત વિશે જ વિચાર્યું છે. ભારત જ્યારે મિત્રતાનો હાથ લંબાવે છે ત્યારે એ પહેલ કોઈ ત્રીજા દેશ વિરુદ્ધ હોતી નથી. ભારત જ્યારે વિકાસની ભાગીદારી મજબૂત બનાવે છે ત્યારે તેની પાછળ અન્ય સાથી દેશને લાચારીની સ્થિતિમાં મૂકી દેવાની ભાવના હોતી નથી.
વડાપ્રધાને જણાવ્યું હતું કે ભલે ત્રીજું વિશ્વયુદ્ધ થયું નથી પણ અનેક ગૃહયુદ્ધ થયા.કેટલાય આતંકી હુમલામાં લોહીની નદીઓ વહી. આ યુદ્ધો અને હુમલાઓમાં માર્યા ગયેલા મારી-તમારી જેમ માનવીઓ જ હતા. યુનોના પ્રયાસ પૂરતા હતા?
મહામારીમાં અમેરિકા દ્વારા ડબલ્યુએચઓની ભૂમિકાની આલોચના અને કોરોનાનો ઉદ્ભવ જ્યાંથી થયો છે એ ચીનને છાવરવાના આરોપો  વચ્ચે વડાપ્રધાને આજે યુનો સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer