દીપિકા બધા જવાબ ગોખીને આવી હતી; ફરીથી બોલાવવામાં આવે એવી શક્યતા

દીપિકા બધા જવાબ ગોખીને આવી હતી; ફરીથી બોલાવવામાં આવે એવી શક્યતા
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 26 : બોલીવુડના ડ્રગ કનેકશનની તપાસ કરતા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ અભિનેત્રી દીપિકા પદુકોણ હાજર થઈ અને નિવેદન આપ્યું હતું કે ડ્રગ્સ વિશે મેં વોટ્સઍપ ચૅટ પર ચર્ચા જરૂર કરી હતી, પણ મેં એનું સેવન કર્યું નથી. દીપિકાએ વિવિધ પ્રશ્નોના આપેલા જવાબથી તપાસ અધિકારીઓ સંતુષ્ટ થયા ન હોવાનું કહેવાય છે અને તેને ફરીથી બોલાવવામાં આવે એવી પણ શક્યતા છે. 
દીપિકાને સવારે દસ વાગ્યે તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનું હતું, પણ તે દસ મિનિટ વહેલી આવી ગઈ હતી. શરૂઆતમાં તેને નોર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોફિક સબસ્ટન્સિસ એક્ટ શું છે એની માહિતી તેને આપવામાં આવી હતી. લગભગ પાંચ કલાક તેની પૂછપરછ ચાલી. બપોરે 3.50 વાગ્યે તેને જવા દેવામાં આવી હતી. એનસીબીની પાંચ સભ્યોની ટીમે તેનું નિવેદન નોંધ્યું હતું. 
સૂત્રોએ કહ્યું હતું કે દીપિકાની પૂછપરછ દરમિયાન તેની મેનેજર કરિશ્મા પ્રકાશને પણ સામે બેસાડવામાં આવી હતી. બન્નેએ 2017ના કેફી દ્રવ્યો વિશેની ચૅટનો સ્વીકાર તો કર્યો હતો, પણ ડ્રગ્સનું સેવન કર્યું હોવાનો ઈન્કાર કર્યો હતો. 
સૂત્રોએ કહ્યું હતું કે દીપિકાને શીખવવામાં આવ્યું હોય એ રીતે પોપટની જેમ જવાબ આપતી હતી. તેના જવાબોથી તપાસ અધિકારીઓ સંતુષ્ટ નહોતા. તેને એનસીબી તરફથી ક્લીન ચિટ આપવામાં આવી નથી. તેને અને તેની મેનેજરની સામસામે બેસાડી ફરી પૂછપરછ થઈ શકે છે. અત્યારે બન્નેએ જે જવાબ આપ્યા છે તેનું વેરિફિકેશન ચાલુ છે. 
સવારે દીપિકા કોલાબા સ્થિત એનસીબીના એલવીન ગેસ્ટ હાઉસમાં નાની સાદી કારમાં આવી હતી. પત્રકારો તેની કારનો પીછો ન કરે એ માટે તે રાત્રે એનસીબીના ગેસ્ટહાઉસ નજીક કોઈ અજ્ઞાત સ્થળે રોકાઈ હતી. પહેલા તેની મેનેજરની પૂછપરછ પૂરી થઈ હતી અને દસ મિનિટ બાદ દીપિકા પણ બહાર આવી હતી. બન્ને જણ અલગ અલગ કારમાં રવાના થયાં હતાં. દીપિકા સાથે રણવીર સિંહ હાજર નહોતો.
ચારેય અભિનેત્રીઓના સેલફોન નાર્કોટિક્સ બ્યુરોએ જપ્ત કર્યા
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ દીપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા આલીખાન અને રકૂલ પ્રીત સિંહ એ ચારેય અભિનેત્રીઓના સેલફોન જપ્ત કર્યા છે. બૉલીવૂડ અને કૅફી દ્રવ્યો વચ્ચેના સંબંધ અંગેની અત્યાર સુધીની તપાસનો અહેવાલ ત્રણ દિવસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના વડા રાકેશ અસ્થાનાને આપવામાં આવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer