ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં દેશવ્યાપી પ્રતિનિધિત્વ

ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં દેશવ્યાપી પ્રતિનિધિત્વ
નડ્ડાની નવી ટીમ : યુવાઓ પર ભરોસો
પૂનમ મહાજનના સ્થાને તેજસ્વી સૂર્યાને યુવા મોરચાની કમાન
રામ માધવને બદલે વિનોદ તાવડે અને પંકજા મુંડે મંત્રીપદે
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા.26: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે.પી.નડ્ડાએ સત્તા સંભાળ્યાના 8 માસ બાદ પોતાની નવી ટીમ જાહેર કરી છે જેમાં યુવાઓ પર ભરોસો મૂકતા દરેક રાજયમાંથી પ્રતિનિધિત્વ મળે તે રીતે નવા ચહેરા પસંદ કરવામાં આવ્યા છે. નડ્ડાની નવી ટીમમાંથી રામ માધવને બહાર કરાયા છે તો તેજસ્વી સુર્યાને યુવા મોરચાની જવાબદારી સોંપવામાં આવી છે.
મહારાષ્ટ્રમાંથી વિનોદ તાવડે અને પંકજા મુંડેને રાષ્ટ્રીય મહામંત્રી બનાવાયા છે. ગુજરાતમાંથી ભાવનગરના સાંસદ ભારતી શિયાળને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. 8 રાષ્ટ્રીય મહાસચિવમાં પ નવા ચહેરા છે.
રામ માધવ, પી. મુરલીધર રાવ, અનિલ જૈન અને સરોજ પાંડેને મહાસચિવપદેથી હટાવવામાં આવ્યા છે અને તેમના સ્થાને નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. કર્ણાટકના ભાજપના યુવા સાંસદ તેજસ્વી સૂર્યાને ભારતીય જનતા યુવા મોરચાની કમાન સોંપવામાં આવી છે. તેઓ પૂનમ મહાજનનું સ્થાન લેશે. 
ભારતીય જનતા પાર્ટીના પદ્દાધિકારીઓની નવી ટીમની જાહેરાત આજે કરવામાં આવી છે. પાર્ટી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ થોડા સમય પહેલા જ આ અંગે માહિતી આપી છે. આ વખતે બીજેપીની નવી ટીમમાં દરેક રાજ્યોમાંથી મોટાભાગે યુવાનો અને મહિલાઓને તક આપી છે. જેપી નડ્ડાના અધ્યક્ષ બન્યા બાદ આ પહેલો મોટો ફેરફાર છે. 
બીજેપીની નવી ટીમમાં 12 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને 8 રાષ્ટ્રીય મહામંત્રીઓના નામની જાહેરાત કરવામાં આવી. ઉપરાંત, માહિતી મુજબ બીજેપીની નવી ટીમમાં 23 રાષ્ટ્રીય પ્રવક્તા શામેલ હશે. ગુજરાત માટે મોટા સમાચાર એ છે કે બીજેપીની આ નવી ટીમમાં સાંસદ ભારતી શિયાળનો કેદ્રીય ટીમમાં સમાવેશ થયો છે. ભારતી શિયાળને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવાયા છે. ભારતી શિયાળની ભાવનગરથી સાંસદ છે. ખાસ વાત એ છે કે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ પોતાની નવી ટીમની જાહેરાત એવા સમયે કરી જ્યારે બિહાર વિધાનસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત થઈ ચૂકી છે. 
 ભૂપેન્દ્ર યાદવ, અરૂણાસિંહ, કૈલાશ વિજયવર્ગીય, દુષ્યંતકુમાર ગૌતમ, ડી.પુરંદેશ્વરી, સી. રવિ, તરૂણ ચૂગ, દિલીપ સાકિયાને મહા સચિવ બનાવાયા છે. બી.એલ. સંતોષ પહેલાની જેમ જ સંગઠન મહાસચિવની જવાબદારી નિભાવતા રહેશે. યુપીના રાજેશ અગ્રવાલને ભાજપની નવી ટીમમાં ખજાનચી બનાવવામાં આવ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer