દેવેન્દ્ર ફડણવીસ અને સંજય રાઉતની ગુપ્ત મુલાકાતથી રાજકીય અટકળો તીવ્ર

દેવેન્દ્ર ફડણવીસ અને સંજય રાઉતની ગુપ્ત મુલાકાતથી રાજકીય અટકળો તીવ્ર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 26: ભાજપના આગેવાન અને વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ તેમ જ શિવસેનાના સાંસદ સંજય રાઉત વચ્ચે આજે ગુપ્ત બેઠક યોજાઈ પછી મહારાષ્ટ્રના રાજકારણમાં નવુ સમીકરણ આકાર લેશે કે કેમ એવી અટકળો શરૂ થઈ છે.
આ બંને નેતાઓ વચ્ચે મુંબઈની ગ્રાંડ હયાત હોટેલમાં આજે બપોરે દોઢ વાગ્યાથી બે કલાક સુધી ગુપ્ત બેઠક યોજાઈ હતી. તેના કારણે ભાજપ અને શિવસેના ફરી એકમેકની નિકટ આવશે કે કેમ એવી અટકળોને વેગ મળ્યો છે.
ભાજપના આગેવાન અને વિધાનપરિષદના વિપક્ષીનેતા પ્રવીણ દરેકરે જણાવ્યું હતું કે રાજકારણમાં ક્યારે શું થાય તે કહેવાય નહીં. જોકે આ બેઠક વિશે મારી પાસે હાલ કોઈ જાણકારી નથી.
ભાજપના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટ્ટીવારે જણાવ્યું હતું કે શિવસેનાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહની નીંચલા સ્તરે જઇને ટીકા કરી છે. શિવસેના સાથે અમે માત્ર રાજકીય દૃષ્ટીએ નહીં પણ હવે મનથી પણ અલગ થઈ ગયા છે એ તેથી અમે શિવસેના સાથે સહિયારી સત્તા ભોગવવા બેઠક યોજાએ એ શક્ય જણાતુ નથી. ભાજપના કોઇપણ કાર્યકરને નહીં લાગે કે દેવેન્દ્ર ફડણવીસ અને સંજય રાઉત વચ્ચે સરકાર રચવા માટે બેઠક યોજાઈ છે. શિવસેના સાથે સરકાર રચવી જોઇએ  એવું અમને લાગતું નથી એમ મુનગંટ્ટીવારે ઉમેર્યુ હતુ.
ભાજપના મહારાષ્ટ્ર એકમના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે જણાવ્યુ હતુ્ કે રાજકારણમાં આ પ્રકારની મુલાકાતો થાય તેમાં સરકાર વેલ્યુ હોય એ જરૂરી નથી. ગત નવ માસમાં મે અથવા ફડણવીસે અમે પુન: સરકાર રચશુ એમ કહ્યું નથી. આ સરકાર તેના આંતરિક વિરોધને કારણે જ પડશે. અમે સરકાર નહીં પાડી એ અને તે અમારી સંસ્કૃતિ નથી એમ પાટીલે ઉમેર્યુ હતુ.
ભાજપના પ્રવક્તા કેશવ ઉપાધ્યે શું કહે છે?
ફડણવીસ અને રાઉતની મુલાકાતને લીધે શરૂ થયેલી અટકળોને પગલે ભાજપના પ્રવક્તા કેશવ ઉપાધ્યેએ ટ્વીટર ઉપર જણાવ્યુ હતુ કે બંને નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ છે. સંજય રાઉતએ શિવસેનાના મુખપત્ર `સામના' માટે દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લેવાની ઇચ્છા દર્શાવી હતી. તેના માટે એકવાર મળવાનુ નક્કી થયું હતું. આ મુલાકાત અનએડીટેડ પ્રગટ થવી જોઇએ એવી ફડણવીસની ઇચ્છા હોવાથી આજની મુલાકાત યોજાઈ હતી. બિહાર વિધાનસભાની ચૂંટણીમાંથી પાછા ફર્યા બાદ મુલાકાત આપવાનું ફડણવીસે કહ્યું છે. આજની મુલાકાત સાથે કોઈ રાજકીય કારણ નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer