શ્રદ્ધા કપૂર અને સારાના એકસરખા જવાબ : અમે કેફી દ્રવ્યોનું સેવન નથી કરતા

શ્રદ્ધા કપૂર અને સારાના એકસરખા જવાબ : અમે કેફી દ્રવ્યોનું સેવન નથી કરતા
મુંબઈ, તા. 26 : બોલીવુડના ડ્રગ કનેકશનના સંદર્ભમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની ચાલતી તપાસમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનના પણ નિવેદન શનિવારે નોંધવામાં આવ્યા હતા અને બન્નેએ પણ દીપિકા પદુકોણની જેમ એમ કહ્યું હતું કે અમે કોઈ ડ્રગનું સેવન કર્યું નથી. 
બન્ને અભિનેત્રીની બેલાર્ડ એસ્ટેટ ખાતે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની ઝોનલ ઓફિસમાં પૂછપરછ થઈ હતી જ્યારે દીપિકા અને તેની મેનેજરની પૂછપરછ કોલાબા સ્થિત ગેસ્ટ હાઉસમાં કરવામાં આવી હતી. 
શ્રદ્ધા કપૂર બપોરે બાર વાગ્યાની આસપાસ તો સારા અલી ખાન બપોરે એક વાગ્યે ઝોનલ ઓફિસમાં આવી હતી અને બન્ને આશરે પાંચેક કલાકની પૂછપરછ બાદ રવાના થઈ ગઈ હતી. શ્રદ્ધા કપૂર છીછોરે ફિલ્મ માટે સુશાંતે યોજેલી પાર્ટીમાં હાજરી આપી હોવાની કબુલાત કરી હતી, પણ ડ્રગ્સના સેવનનો ઈન્કાર કર્યો હતો. આ ફિલ્મમાં લીડ રોલમાં સુશાંત હતો અને શ્રદ્ધા હીરોઈન હતી. આ પાર્ટી સુશાંતના પાવના ફાર્મ હાઉસમાં યોજાઈ હતી. પાર્ટીમાં હાજરી આપનારાઓમાંથી માત્ર છ જણનાં નામ એનસીબીના અધિકારીઓને આપ્યા હતા. બીજાના નામ તેને યાદ નહોતા. 
શ્રદ્ધા કપૂરે સુશાંતની પૂર્વ ટેલેન્ટ મેનેજર જયા સાહા સાથે ડ્રગ્સ વિશે મેસેજોની આપલે કરી હોવાની કબુલાત પણ કરી હતી. બોલિવૂડમાં ચાલતા ડ્રગ સ્કેન્ડલની જયા સાહા સૂત્રધાર હોવાનું કહેવાય છે. જયા સાહા અને શ્રદ્ધા કપૂર વચ્ચે એક ચેટમાં સીબીડી ઓઈલની પણ ચર્ચા થઈ હતી. જોકે એ સીબીડી ઓઈલ વિશે શ્રદ્ધાએ મૌન સેવ્યું હતું. આ ચેટમાં જયા સાહા શ્રદ્ધા કપૂરને એમ કહે છે કે હું ઝીનલ ઝવેરીની સાથે સીબીડી ઓઈલ મોકલું છું. ઝીનલ ઝેવેરીને પણ બોલાવવામાં આવે એવી શક્યતા છે. 
સારા અલી ખાને પણ સુશાંત સાતે કેદારનાથ ફિલ્મમાં કામ કર્યું હતું અને બન્ને થાઈલેન્ડની ટ્રીપ પર પણ સાથે ગયા હતા. સારાએ પણ ડ્રગ્સનું ક્યારેય સેવન ન કર્યું હોવાનું અધિકારીઓને કહ્યું હતું.
કલાકારોની કારનો પીછો કરનાર ચેનલના પત્રકારોને પોલીસની ચેતવણી 
સુશાંત પ્રકરણમાં અને બોલિવૂડના ડ્રગ એન્ગલમાં જેને તપાસ માટે બોલાવવામાં આવે છે તેમની કારનો ટીવી ચેનલના પત્રકારો પીછો કરતા હોય છે. ખાસ કરીને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને અભિનેત્રી દીપિકા પાદુકોણના કેસમાં આવું થયું હતું. રિયાએ તો એ સામે પોલીસમા ફરિયાદ પણ નોંધાવી હતી અને તેને સીબીઆઈના કહેવાથી સંરક્ષણ પણ આપવામાં આવેલું. 
હવે મુંબઈ પોલીસના ઝોન-વનના ડીસીપી સંગ્રામાસિંહ નિશાનદરે પત્રકારોને સંદિગ્ધો કે આરોપીઓની કારનો પીછો ન કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું હતું કે આવું કરનાર પત્રકારો પોતાનો અને અન્ય વ્યક્તિઓનો જીવ જોખમમાં મુકે છે. 
તેમણે કહ્યું હતું કે આવી રીતે પીછો કરનાર ચેનલની કાર જપ્ત કરવામાં આવશે અને ડ્રાઈવર સામે કડક પગલા લેવાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer