અનિલ અંબાણીએ લંડન કોર્ટ સામે વર્ણવી ગરીબીની વાત

અનિલ અંબાણીએ લંડન કોર્ટ સામે વર્ણવી ગરીબીની વાત
લંડન, તા. 26 : કયારેક વિશ્વના સૌથી ધનિકોમાં જેમની ગણના થતી હતી અને જેમના ભાઈ મુકેશ અંબાણી આજે એશિયાના સૌથી ધનિકોમાંના એક છે તે અનિલ અંબાણી પાસે આજે સંપત્તિને નામે કંઈ બાકી રહ્યું નથી હાલત એવી છે કે કાનૂની લડાઈ લડવા વકીલની ફી પણ ઘરેણાં વેંચીને ચૂકવી રહયા છે. પોતાની ગરીબીની વાત તેમણે ખૂદ બ્રિટનની કોર્ટમાં સુનાવણી વખતે કહી છે.
ચીનની 3 બેંક પાસેથી કરોડોની લોન લીધા પછી ન ચૂકવવાના મામલે બ્રિટનની ર્કોર્ટમાં કેસ ચાલી રહયો છે જેની સુનાવણી વખતે જ્યારે તેની (અનિલ અંબાણી) વૈભવી લાઈફસ્ટાલ વિશે ટિપ્પણી અને સવાલ ઉઠયા તો મુંબઈથી વીડિયોલિન્ક મારફત જોડાઈ તેમણે જરૂરી ખુલાસા કરી પુરાવા રજૂ કર્યા હતા.
અનિલ અંબાણીએ ઈન્કાર કર્યો કે તે વૈભવિ જીવન જીવે છે અને પોતાની પાસે રોલ્સ રોયસ જેવી કાર છે. તેમણે કહ્યું કે હું સામાન્ય જીવન જીવું છુ અને મારી પત્ની મારો ખર્ચ ઉઠાવે છે. અનિલ અંબાણીએ રિલાયન્સ કોમ્યુનિકેશન માટે વર્ષ 2012માં 3 ચાઈનીઝ બેંકો પાસેથી 700 મીલીયન ડોલર(રૂ.5000 કરોડથી વધુ) ની લોન લીધી હતી. બેંકોનું કહેવું છે કે આ લોન માટે અનિલ અંબાણીએ પર્સનલ ગેરેન્ટી આપી હતી જેનો હવે તે ઈન્કાર કરે છે. વિવાદ લંડનની કોર્ટમાં પહોંચ્યો અને કોર્ટે અનિલ અંબાણીને રર મે ના એક આદેશમાં ર1 દિવસમાં ત્રણેય બેંકને 5500 કરોડ ચૂકવી દેવા આદેશ આપ્યો હતો જે તેઓ ચૂકવી ન શકયા.
હવે એફિડેવીટમાં અનિલ અંબાણીએ કહયું છે કે તેની પાસે માત્ર રૂ.74 લાખ છે. સુનાવણીમાં તેમણે એવો પણ ખુલાસો કર્યો કે તેમના પર તેની માતાના 500 કરોડ અને પુત્રના 310 કરોડ ઉધાર છે. કરોડોના આર્ટ કલેકશન અંગે તેમણે કહયું કે તે તેની પત્ની ટીના અંબાણી અને એક યૉટ કંપનીના છે.
 ક્રેડિટ કાર્ડથી મોંઘી ખરીદી મામલે કહયું કે આ ખરીદી તેની માતાએ કરી છે. બચાવમાં અનિલ અંબાણીએ એવું પણ કહયું કે તેઓ મેરેથોન રનર રહી ચૂકયા છે અને સ્મોકિંગ, ડ્રિંકિંગ કે જુગારથી દૂર રહે છે. પોતાની લાઈફ સ્ટાઈલ વિશે જે વાતો બહાર આવે છે તેને તેમણે અફવા અને ધારણાંઓ ગણાવી હતી.    

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer