હવે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલો અદાલતમાં

હવે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલો અદાલતમાં
શાહી મસ્જિદ હટાવીને જમીન આપવાની માગણી
મથુરા, તા. 26 : અયોધ્યામાં રામ મંદિર નિર્માણ વચ્ચે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિનો મામલો કોર્ટમાં પહોંચ્યો છે. જન્મભૂમિ પરિસર અંગે મથુરાની કોર્ટમાં એક સિવિલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 
મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ પરિસરમાં 13.37 એકર જમીન પર દાવો કરતાં તેનો હક્ક માગવામાં આવ્યો છે સાથે શાહી ઈદગાહ મસ્જિદને હટાવવાની માગ કરવામાં આવી છે. ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાનની સખા રંજના અગ્નિહોત્રી તરફથી સુપ્રીમ કોર્ટના વકીલ વિષ્ણુ શંકર જૈને અરજી દાખલ કરી છે. જેમાં જમીન અંગે 1968 ની સમજૂતીને અયોગ્ય ગણાવવામાં આવી છે. જૈને જણાવ્યું કે આ કેસ ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાન, કટરા કેશવ દેવ ખેવટ, મૌજા મથુરા બજાર શહેર તરફથી અંતરંગ સખી રૂપે અરજદાર રંજના અગ્નિહોત્રી અને 6 અન્ય ભક્તો તરફથી દાખલ કરવામાં આવ્યો છે.
અલબત, આ કેસમાં પ્લેસ ઓફ વર્શિપ એક્ટ 1991નો અવરોધ છે. જે અનુસાર આઝાદીના દિવસે 15 ઓગષ્ટ 1947ના રોજ જે ધાર્મિક સ્થળ જે સંપ્રદાયનો હતો તેનો જ રહેશે. આ એકટ હેઠળ માત્ર રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને છૂટ આપવામાંવી હતી.
1951માં શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ બનાવીને એવું નક્કી કરાયું હતુ કે અહીં ફરી ભવ્ય મંદિરનું નિર્માણ થશે અને ટ્રસ્ટ તેની વ્યવસ્થા સંભાળશે. 1958માં શ્રીકૃષ્ણ જન્મ સ્થાન સેવા સંઘ નામની સંસ્થા બનાવવામાં આવી હતી. કાયદાકીય રીતે આ સંસ્થાને જમીનનો માલિકી હક્ક ન હતો. આ સંસ્થાએ 1964માં સમગ્ર જમીન પર નિયંત્રણ માટે એક સિવિલ કેસ દાખલ કર્યો હતો પરંતુ 1968માં ખૂદે જ મુસ્લિમ પક્ષ સાથે સમજૂતી કરી લીધી હતી. 1968માં શાહી ઈદગાહ કમિટિ અને શ્રીકૃષ્ણભૂમિ ટ્રસ્ટ વચ્ચે થયેલી સમજૂતી અનુસાર જમીન ટ્રસ્ટ પાસે રહેશે અને મસ્જિદનો સંચાલનનો અધિકાર મુસ્લિમ કમિટિને આપવામાં આવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer