કામધંધા માટે વધુ લોકો બહાર નીકળતા હોવાથી કોરોનાના `બીજા વૅવ''નું જોખમ : ઉદ્ધવ ઠાકરે

કામધંધા માટે વધુ લોકો બહાર નીકળતા હોવાથી કોરોનાના `બીજા વૅવ''નું જોખમ : ઉદ્ધવ ઠાકરે
મુંબઈ, તા. 26 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં હવે વધુ લોકો કામધંધા માટે બહાર નીકળતા હોવાથી કોરોનાના `બીજા વૅવ'નું જોખમ છે એવી ચેતવણી ઉચ્ચારીને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કોરોના નિવારવા માટેના ઉપાયોનું સખ્તાઈથી પાલન કરવા ઉપર ભાર મૂક્યો છે.
મરાઠાવાડા અને નાસિક ડિવિઝનના પ્રધાનો અને અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ મિટિંગમાં ઠાકરેએ જણાવ્યું હતું કે કોરોનાના લક્ષણ નહીં ધરાવતા પોઝિટિવ દરદીઓને ઘરે રહેવાની છૂટ આપવામાં આવે પછી તેઓ પૂરતી તકેદારી લીધા વિના ઘરની બહાર નીકળે છે. તેના કારણે કોરોનાનો સંસર્ગ અન્યોને લાગે છે. આપણો પ્રયાસ કોરોનાને કારણે ઓછામાં ઓછા લોકો મૃત્યુ પામે એ છે. તેથી લોકો માસ્ક પહેરવા જેવા નિયમોનું પાલન કરે એ માટે અધિકારીઓએ પ્રયત્ન કરવો જોઈએ. તે નિયમોનું ઉલ્લંઘન કરનારને દંડ થવો જોઈએ.
ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે જો એન્ટીજન ટેસ્ટનું રિઝલ્ટ નેગેટીવ આવે પણ તેનામાં કોરોનાના લક્ષણ જોવા મળે તો આર.ટી.-પીસીઆર ટેસ્ટ કરાવવો જરૂરી છે. તે સમયે બે સ્વેબ સેમ્પલ લેવા આવશ્યક છે. રેપીડ એન્ટીજન ડિટેક્શન ટેસ્ટ દરદીના શરીરમાં કોરોનાના વાઈરસ એન્ટીજનની હાજરી છે કે કેમ તે માત્ર 30 મિનિટમાં શોધી કાઢે છે. `મારો પરિવાર, મારી જવાબદારી' આ દિશામાં મહત્ત્વની પહેલ છે. આ આરોગ્યલક્ષી ઝુંબેશ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વ માટે અનુકરણીય બનવી જોઈએ. કોરોનાના દરદીની સારવારમાં ફક્ત મેડિકલ પ્રીક્રીપ્શન જ નહીં પરંતુ અન્ય પ્રોટોકોલનું પણ પાલન થવું જોઈએ, એમ ઠાકરેએ ઉમેર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer