કરણ જોહરની કંપનીના કર્મચારીની ધરપકડ; ઘરમાંથી ગાંજો મળ્યો

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 26 : એક મહત્વની ઘટનામાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ ફિલ્મમેકર કરણ જોહરના ધર્મા પ્રોડકશનના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ક્ષતિજ રવિ પ્રસાદની શનિવારે ડ્રગ્સના મામલે ધરપકડ કરી હતી. ક્ષિતિજના ઘરમાંથી પોલીસને ગાંજો પણ મળ્યો હતો બોલીવુડ ડ્રગ કનેકશનના મામલે આ પહેલી ધરપકડ છે. 
ક્ષિતિજ પ્રસાદે પૂછપરછ દરમિયાન બોલીવુડની પાંચ હસ્તી અને અને બે પ્રોડ્યુસરનાં નામ નોર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોને આપ્યાં છે. નશીલા પદાર્થના દલાલ અંકુશ આર્નેજાએ અને અભિનેત્રી રકુલ પ્રિત સિંહે એનસીબીની ક્ષિતિજ પ્રસાદનું નામ આપ્યું હોવાનું કહેવાય છે. ક્ષિતિજ પ્રસાદ બોલીવુડમાં જાણીતી હસ્તીઓને ડ્રગ્સ આપતો હોવાનું બન્નેએ એનસીબીને કહ્યું હતું. રકુલ પ્રિતે એનસીબીને એમ પણ કહ્યું હતું કે ક્ષિતિજ પ્રસાદે ગયા અઠવાડિયે મારો સંપર્ક કર્યો હતો અને મારા માણસ તરીકે ગુપ્ત રીતે કામ કરવાની ઓફર આપી હતી. નશીલા પદાર્થના દલાલ અંકુશ આર્નેજાએ એનસીબીને એમ કહ્યું હતું કે ક્ષિતિજ મારી પાસેથી ડ્રગ્સ ખરીદતો હતો. એનસીબીએ ધર્મા પ્રોડક્શનના અન્ય એક કર્મચારીને પણ પૂછપરછ માટે શનિવારે ફરી બોલાવ્યો હતો, પણ તેને જવા દેવામાં આવ્યો હતો. અનુભવ ચોપરાની શુક્રવારે પણ પૂછપરછ થઈ હતી. રકુલે કહ્યું હતું કે હું નશીલા પદાર્થનું સેવન કરતી નથી, પણ ક્ષિતિજ આવી કોઈ પ્રવૃતિમાં સંડોવાયેલો હોવાની મને શંકા છે.
કરણ જોહરે કહ્યુ : ક્ષિતિજ અને અનુભવ ધર્મા પ્રોડક્શનના ભૂતપૂર્વ કર્મચારી 
કરણ જોહરે એક નિવેદનમાં એમ કહ્યું છે કે ક્ષિતિજ પ્રસાદ અને અનુભવ ચોપરાને મારા ધર્મા પ્રોડક્શન સાથે કોઈ લેવાદેવા નથી અને એ બન્ને મારી કંપનીના ફૂલ ટાઈમ કર્મચારી નથી. હંવ એ બન્ને અંગત રીતે ઓળખતો પણ નથી. બન્ને જણ તેમના અંગત સમયમાં શું કરે છે એ સાથે મને કંઈ લાગતું વળગતું નથી. ક્ષિતિજ રવિ પ્રસાદ નવેમ્બર 2019માં ધર્માટિક એન્ટરટેઈનમેન્ટ (ધર્મા પ્રોડકશનની ભગીની કંપની)માં કૉન્ટ્રાક્ટ પર જોડાયો હતો. તેને જે પ્રોજક્ટ માટે લેવામાં આવેલો એ આગળ વધ્યો જ નહોતો. કરણ જોહરે કહ્યું હતું કે હું ડ્રગ્સનું સેવન કરતો નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer