મહિલાઓને વ્યવસાય પસંદ કરવાનો અધિકાર છે : હાઈ કોર્ટ

`દેહવ્યાપાર એ અપરાધ નથી'
મુંબઈ, તા. 26 : પ્રિવેન્શન અૉફ ઇમોરલ ટ્રાફિક ઍક્ટ (પીટા) હેઠળ વેશ્યા વ્યવસાય એ ગુનો નથી અને મહિલાને પોતાનો વ્યવસાય પસંદ કરવાનો અધિકાર છે, એવું નિરીક્ષણ બૉમ્બે હાઈ કોર્ટે શુક્રવારે કર્યું હતું. એ સાથે વેશ્યા વ્યવસાય માટે અટક કરાયેલી ત્રણેય યુવતીને છોડી મુકવાનો આદેશ પણ કોર્ટે આપ્યો હતો. 
20, 22 અને 23 વર્ષની ત્રણ યુવતીને રાહત આપતા જસ્ટિસ પૃથ્વીરાજ ચવાણે જણાવ્યું હતું કે વેશ્યા વ્યવસાય એ ગુનો છે અને એમાં કોઈ વ્યક્તિ સંકળાયેલી હોય એટલે એને સજા થવી જોઇએ એવી જોગવાઈ કાયદામાં ક્યાંય નથી, એવી સ્પષ્ટતા તેમણે કરી હતી. કાયદા મુજબ ધંધાદારી નફા માટે એકાદી વ્યક્તિનું શોષણ કે એનો દુરુપયોગ કરનાર સજાને પાત્ર છે, એમ પણ જસ્ટીસ ચવાણે જણાવ્યું હતું. 
વેશ્યા વ્યવસાય કરનાર ત્રણ યુવતીને મુંબઈ પોલીસે સપ્ટેમ્બર 2019માં મલાડ ખાતેથી ઉગારી હતી. આ યુવતીઓને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવતા તેમને મહિલા સુધાર ગૃહમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત પ્રોબેશન અૉફિસર પાસે ત્રણેય યુવતીઓ સંબંધિત રિપોર્ટ મગાવ્યો હતો. એ અહેવાલના આધારે જ યુવતીઓને માતા-પિતા સાથે રાખવી હિતમાં ન હોવાનું જણાવી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે ત્રણેયને તેમના વડીલોને સોંપવાનું નકાર્યું અને ત્રણેયને ઉત્તર પ્રદેશના મહિલા સુધારગૃહમાં રાખવાનો આદેશ આપ્યો હતો. આ યુવતીઓ કાનપુરની છે અને તેઓ જે સમાજની છે એમાં વેશ્યા વ્યવસાય પરંપરા હોવાનું પ્રોબેશન અધિકારીના અહેવાલમાં જણાવાયું હતું. સેશન્સ કોર્ટે પણ નીચલી અદાલતના ચુકાદાને માન્ય રાખતા ત્રણેય યુવતીઓએ હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. 
જસ્ટિસ ચવાણે ગુરુવારે તેમની અરજી પર આદેશ આપતા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અને દિંડોશી સેશન્સ કોર્ટના નિર્ણયને રદબાતલ કર્યો હતો. અરજદાર યુવતીઓ પુખ્ત છે, એટલે તેઓ ઇચ્છે ત્યાં રહી શકે છે, દેશભરમાં ફરી શકે છે અને તેમને વ્યવસાય પસંદ કરવાનો અધિકાર છે એમ જણાવી ત્રણેય યુવતીને રાહત આપી હતી. આ યુવતીઓના હિતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર પિટા કાયદા અંતર્ગત તેમને સુધારગૃહ કે અન્ય સંસ્થાઓમાં મોકલવાનો આદેશ કોર્ટ પાસે માંગી શકે છે, એમ કોર્ટે એના આદેશમાં જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer