ભારતને ઈઝરાયલનો સાથ

ડિફેન્સ લીડર ઈઝરાયલના અત્યાધુનિક શત્રોથી ભારતીય સેના સજ્જ
નવી દિલ્હી, તા.26 : ચીને દગો કરીને વર્ષ 1962નું યુદ્ધ જીતી લીધું હતું. તેણે દગાખોરીને જ ભારત વિરુદ્ધ અભિયાનોનો આધાર બનાવ્યો છે. હવે જ્યારે દગાથી ભારતની જમીન હડપ કરવાની ખંધી ચાલ સફળ થઈ રહી નથી તો તે વિચલીત થઈ ગયું છે. ચીનની દાદાગીરી અને દગાખોરી સામે જવાબ આપવા ભારતને ઈઝરાયલનો મજબૂત સાથ મળ્યો છે.
ભારત સામે પડેલા ચીન માટે દુ:ખદ ખબર આવી છે કે યુદ્ધ ભૂમિમાં જો અસ્સલ આમનો સામનો થયો તો ચીનને કેવી રીતે ભરી પીવું તે માટે ભારતે કાર્યવાહી શરૂ કરી નાખી છે. ચીનને બોધપાઠ ભણાવવાની રણનીતિના ભાગ રૂપે ભારતે ઈઝરાયલ સાથે મળીને અત્યાધુનિક હથિયારોનું આખું તંત્ર વિકસીત કરવાની યોજના ઘડી છે. ભારત અને ઈઝરાયલના સંરક્ષણ સચિવની આગેવાનીમાં ગુરૂવારે સૈન્ય રક્ષા સહયોગના સંયુક્ત જૂથમાં એક પેટા જૂથ બનાવવામાં આવ્યું હતું. 
સૈન્ય રક્ષા સહયોગમાં ઔદ્યોગિક સહકારના આ પેટા જૂથનું કામ ટેકનોલોજી, વિકાસ, ઉત્પાદન, ઈનોવેશન મુખ્ય રહેશે. ત્રીજા દેશોને સંયુક્ત નિકાસ સુનિશ્ચિત કરવામાં આવશે. ભારતને હથિયારો પૂરા પાડતા દેશોની યાદીમાં બે દાયકાથી ઈઝરાયલ ચોથા ક્રમે છે. તે દર વર્ષે ભારતને આશરે રૂ.70 અબજની કિંમતના હથિયારો પૂરા પાડે છે.ઈઝરાયલ મિસાઈલો, સેન્સર,સાઈબર સિકયોરિટી અને વાયરસ ડિફેન્સ સબ સિસ્ટમમાં વર્લ્ડ લીડર છે. 
ભારતીય સેનામાં જમીનથી હવામાં માર કરનારી એડવાન્સ બરાક-8 મિસાઈલો સામેલ કરવામાં આવી રહી છે. 30 હજાર કરોડની આ યોજનામાં ભારત અને ઈઝરાયલ સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે. 
રાફેલ એડવાન્સ સિસ્ટમ માટે બંન્ને દેશો વચ્ચે એમઓયુ કરાયા છે.
ભારતે ઈઝરાયલ પાસેથી પાઈથન અને ડર્બી એર ટૂ એર મિસાઈલથી માંડી ક્રિસ્ટલ મેજ અને સ્પાઈસ 2000 બોમ્બ ખરીદ્યા છે. પાકિસ્તાનના બાલાકોટમાં આતંકીઓના અડ્ડાને આ બોમ્બથી જ ફૂંકી મરાયો હતો. આ સિવાય પણ હેરૉન ડ્રોન, એન્ટી ટેંક મિસાલો તથા પ્રેસિજન ગાઈડેડ મિસાઈલો ઈઝરાયલ પાસેથી ખરીદવામાં આવનાર છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer