જૂની ઇમારતોના રિડેવલપમેન્ટમાં ડેવલપરોને મોકળું મેદાન આપવાની સરકારની તૈયારી

આદેશ રદ કરવો મોટી ભૂલ ગણાશે : પ્રભુ
મુંબઈ, તા. 26 : જૂની અને જર્જરિત સેસ બિલ્ડિંગોની ઇમારતો અને વસાહતોના પુન:વિકાસ માટે ડેવલપર ઉપર અંકુશ રાખવાનો અધિકાર `મ્હાડા'ને આપતો આદેશ રદ્દ કરવાની હિલચાલ મહારાષ્ટ્રના ગૃહનિર્માણ ખાતાએ આદરી છે. આ સરકારી આદેશ રદ્દ કરવામાં આવે તો ડેવલપરોને મોકળું મેદાન મળશે. તેના પગલે ભાડૂતો અને રહેવાદીઓને મળતું રક્ષણ આપોઆપ જ રદ્દ થશે. 
તેથી ભવિષ્યમાં જો કોઈ પ્રકલ્પ રખડી પડે તો `મ્હાડા'ને માટે ડેવલપર ઉપર અંકુશ રાખવાનું મુશ્કેલ બનશે.
મહારાષ્ટ્રના ગૃહનિર્માણ પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા જિતેન્દ્ર આવ્હાડે જણાવ્યું હતું કે જૂની ચાલીઓ અને ઇમારતોનો વિકાસ વેગથી થાય એ અમારો પ્રયાસ છે. તેમાં 11મી સપ્ટેમ્બર, 2019ના દિવસે અગાઉની ભાજપ-શિવસેનાની ફડણવીસ સરકારએ બહાર પાડેલો આદેશ અવરોધરૂપ હતો. તેથી તે પૂર્ણપણે રદ્દ કરવામાં આવશે. જૂની ઇમારતોના પુન:વિકાસ માટે અગાઉ જે પદ્ધતિ હતી તેજ `મ્હાડા' અનુસરશે એમ આવ્હાડે ઉમેર્યું હતું.
જાણીતા આર્કિટેક, `મ્હાડા'ના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભૂતપૂર્વ વિધાનસભ્ય ચંદ્રશેખર પ્રભુએ જણાવ્યું છે કે આ સરકારી આદેશ રદ્દ કરવો મોટી ભૂલ ગણાશે. જૂની ઇમારતોના અનેક પ્રકલ્પ રખડી પડયા છે. ડેવલપરોએ વેચાણ માટેના ફ્લેટ પેટે નાણાં લઈને ભાડૂતોને મુશ્કેલ સ્થિતિમાં મૂકી દીધા છે. આ પ્રકારના ડેવલપરો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો અધિકાર `મ્હાડા'ને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય આખેઆખો રદ્દ કરવાને બદલે તેમાંની બિનજરૂરી કે વાંધાજનક કલમો રદ્દ કરવી યોગ્ય લેખાય એમ પ્રભુએ ઉમેર્યું હતું.
ફડણવીસ સરકારે શું નિર્ણય લીધો હતો?
ડેવલપરે જૂની ઇમારતોના પુનવિકાસનું કામ અધવચ્ચે છોડી દે અથવા કોઈ કારણસર રખડી પડે તો તે અંગે કોઈ કાર્યવાહી કરવાનો અધિકાર `મ્હાડા'ને નહોતો. તે અંગેની નીતિ ઘડવા દેવેન્દ્ર ફડણવીસ સરકારે ગૃહોના આઠ સભ્યોની સમિતિ નીમી હતી. તે સમિતિની ભલામણ અનુસાર જૂની ઇમારતના પુન:વિકાસનું કામ રખડી પડે તો `મ્હાડા' જૂના ડેવલપરને હટાવીને તે પૂર્ણ કરી શકે એવી જોગવાઈ કરતો આદેશ 11મી સપ્ટેમ્બર, 2019ના દિવસે ફડણવીસ સરકારે બહાર પાડયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer