શૅરબજારમાં વેચવાલીના પગલે કડાકો

તમારું શાપિંગ લિસ્ટ તૈયાર રાખો 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 26 : પાછલા સપ્તાહમાં શેર બજારોમાં ભારે વેચવાલી જોવા મળી, અમેરિકામાં ટેક શેર્સ બબલ અને વધુ પડતાં મુલ્યાંકનની ચિંતાથી બજારોમાં કડાકો આવ્યો હતો. 
એવું કહી શકાય કે વૈશ્વિક બજારો કોવિડના બીજા રાઉન્ડ, નબળી માગ અને ઊંચી બેરોજગારીના કારણે ગભરાઈને વેચવાલી તરફ આગળ વધવા લાગ્યા છે. શેર બજારો હવે વાસ્તવિકતાને ઓળખી રહ્યા છે અને કોઈપણ નકારાત્મક બાબત વિશે તીવ્રતાથી પ્રતિક્રિયા આપી રહ્યા છે. બેન્કિગ સેકટર વાસ્તવિક અને નાણાંકીય અર્થતંત્ર વચ્ચેના બ્રિજ સમાન છે . માર્ચથી સપ્ટેમ્બર વચ્ચે આવેલી દરેક રેલીમાં તેને તેજી સ્પતિષી નહોતી અને હવે વેચવાલીના દબાણ હેઠળ છે. 
ફાઇનાન્સિયલ સેકટરમાં વેચવાલીનું જોર છે અને ખાનગી બેન્કોના શેરમાં આવેલી નરમાઈ રોકાણકારો માટે નીચલા મથાળે ખરીદી કરવાનો સોનેરી અવસર પૂરો પાડે છે. બેન્કિગ શેરોનું મૂલ્ય માર્ચ - એપ્રિલના નીચલા સ્તરે જઈ શકે છે ત્યારે રોકાણકારોએ મૂડી બજારમાં એન્ટ્રી કરવી જોઈએ, એમ સેમકો સિક્યુરિટીઝના સીઈઓ જીમિત મોદી જણાવે છે. 
આઈપીઓની વણઝાર શરૂ થઈ છે, લોકો રાતોરાત પૈસાદાર થવાના સ્વપ્ન જુએ છે અને તેથી જ નવા ભરણા અનેક ગણા છલકાઈ જતા હોય છે, લિસ્ટિગ સમયે ભાવ પણ વધુ મળતા હોવાથી ચતુર રોકાણકારો લાભ અંકે કરી ઘરે જતાં રહે છે. અહીં લાંબા ગાળા માટે રાહ જોવી હિતાવહ નથી . 
અમેરિકામાં ટેક બબલ થશે એ આગાહી સાચી પડી અને વહેલી સાચી પડી છે. જોકે, તેની અસર ભારતીય ટેક કંપનીઓ ઉપર પડી નથી. અમેરિકન કંપનીઓની તુલનાએ ભારતીય આઇટી કંપનીઓ વધુ સુરક્ષિત બિઝનેસ મોડેલ ધરાવે છે. હવે જો નિફટી 10,800ના સ્તરની નીચે જાય તો 10,500 અને 10,400નું નવું નીચલું સ્તર જોવા મળી શકે. 10,850ના સ્તરે નિફટીને ટેકો મળશે અને 11,200ના સ્તરે પ્રતિકાર જોવા મળી શકે. 
આવનારા સપ્તાહમાં આરબીઆઈની એમપીસીની બેઠક અને લોન ઉપર વ્યાજ માફી વિશે સુપ્રીમ કોર્ટ શુ નિર્ણય કરે છે તેના આધારે બજાર તેની દિશા નક્કી કરશે. વધી રહેલા રિટેલ ફુગાવાને ધ્યાનમાં રાખીને આરબીઆઈ ધિરાણ દરો બીજી વાર યથાવત રાખે તેવી આશા બજારને છે. 
સરકાર ત્રીજું આર્થિક પેકેજ જાહેર કરશે તો ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટરને લાભ થશે તેથી આ સેકટર ઉપર બરાબર ધ્યાન આપવું પડશે. રોકાણકારોએ આ તમામ બાબતો નજર સમક્ષ રાખી તેમનું શાપિંગ લિસ્ટ તૈયાર રાખવું પડશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer