કોરોનાના કુલ કેસો, સાજા થયેલા અને ઍક્ટિવ દર્દીઓની સંખ્યામાં બોરીવલી મોખરે

કાંદિવલીમાં ગત અઠવાડિયે 837 કેસ મળ્યા 
કે (પૂર્વ) વૉર્ડમાં સહુથી વધુ 585 જણાનાં મૃત્યુ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 26 : મુંબઈમાં કોરોનાના રોગચાળાનો ઉપદ્રવ અંકુશમાં હોવાનો દાવો પાલિકા દ્વારા કરવામાં આવતો હોવા છતાં અત્યાર સુધીમાં 1,94,177 નાગરિકો કોરોનાના સંસર્ગમાં આવી ચૂક્યા છે. અત્યાર સુધીમાં 1,53,501 જણાં સાજા થયા છે. જ્યારે 8091 દરદીઓ કોરોનાનો ભોગ બન્યા છે. હાલ એક્ટિવ દરદીઓની સંખ્યા 25,899 છે.
બોરીવલીનો સમાવેશ કરતાં આર (મધ્ય) વૉર્ડમાં અત્યાર સુધીમાં 12,341 દરદીઓ મળ્યા છે. તેનાથી 9757 જણાં સાજા થયા છે. જ્યારે એક્ટિવ દરદીઓની સંખ્યા 2233 છે. આ ત્રણેય રીતે બોરીવલીનો આર (મધ્ય) વૉર્ડ મુંબઈમાં સહુથી મોખરે છે.
મૃત્યુની દૃષ્ટિએ ગણતા અંધેરૂ (પૂર્વ)નો સમાવેશ કરતાં કે (પૂર્વ) વૉર્ડમાં કોરોનાએ મુંબઈમાં સહુથી વધુ એટલે કે 585 જણાંનો ભોગ લીધો છે. માહિમ-દાદરનો સમાવેશ જી  (ઉત્તર) વૉર્ડમાં 549 જણાં અને ભાંડુપનો સમાવેશ કરતાં `એસ' વૉર્ડમાં 521 જણાંના મૃત્યુ નીપજ્યા છે. બોરીવલીમાં કોરોનાને લીધે 351 જણાં મૃત્યુ પામ્યાં છે.
ગત 18મી સપ્ટેમ્બર પછી બોરીવલીમાં 1235, અંધેરી (પશ્ચિમ) અને પાર્લા (પશ્ચિમ)નો સમાવેશ કરતાં કે (પશ્ચિમ) વૉર્ડમાં 1068, કાંદિવલીનો સમાવેશ કરતાં આર (દક્ષિણ) વૉર્ડમાં 837, બાંદરા (પશ્ચિમ)નો સમાવેશ કરતાં એચ (પશ્ચિમ) વૉર્ડમાં 631 તેમ જ દહિસરનો સમાવેશ કરતા આર (ઉત્તર) વૉર્ડમાં 463 દરદીઓ ઉમેરાયા છે.
મુંબઈ પાલિકાએ 25મી સપ્ટેમ્બર સુધીના આંકડા બહાર પાડયા છે. તે અનુસાર મસ્જિદ અને ડોંગરીનો સમાવેશ કરતાં `બી' વૉર્ડમાં અત્યાર સુધીમાં માત્ર 1613 કેસો મળ્યા છે. આ વૉર્ડમાં એક્ટિવ દરદીઓની સંખ્યા ફક્ત 206 છે. અત્યાર સુધીના કેસો અને એક્ટિવ કેસોની સંખ્યા બંને દૃષ્ટિએ `બી' વૉર્ડ આખા મુંબઈમાં સહુથી ઉત્તમ છે. જ્યારે કોલાબા-ચર્ચગેટનો સમાવેશ કરતો `એ' વૉર્ડનો દેખાવ કોરોના ગ્રસ્તોના મૃત્યુની દૃષ્ટિએ સહુથી સારો છે. ત્યાં ફક્ત 81 દરદીઓ જ મૃત્યુ પામ્યા છે.
અંધેરી (પશ્ચિમ)નો સમાવેશ કરતાં કે (પશ્ચિમ) વૉર્ડમાં કોરોનાના 11,706 કેસ મળ્યા છે. ત્યાં ગત સપ્તાહ કોરોનાના વધુ 1068 દરદી મળ્યા છે. ત્યાં એક્ટિવ દરદીઓની સંખ્યા 1961 છે. જ્યારે કોરોનાને લીધે 370 જણાંના મરણ થયાં છે.
અહીં ઉલ્લેખનીય છે કે જૂન સુધી ધારાવી, દાદર અને માહિમનો સમાવેશ કરતાં જી (ઉત્તર) વૉર્ડમાં કોરોનાના સહુથી વધુ દરદીઓ મળતા હતા. હવે ઝુંપડપટ્ટીઓને બદલે મધ્યમ કે ઉચ્ચ મધ્યમ વર્ગના રહેઠાણ ધરાવતી ઇમાતોમાં કોરોનાના કેસ વધુ પ્રમાણમાં મળી રહ્યા છે.
પશ્ચિમના પરાંના પાંચ વૉડમાં કોરોનાનો સૌથી વધુ ઉપદ્રવ
પશ્ચિમના પરાંમાં બોરીવલીનો સમાવેશ કરતાં આર (મધ્ય), મલાડનો સમાવેશ કરતાં પી (ઉત્તર), ગોરેગામનો સમાવેશ કરતાં પી (દક્ષિણ), પાર્લાથી જોગેશ્વરી સુધીના પશ્ચિમ બાજુનો સમાવેશ કરતા કે (પશ્ચિમ) તેમજ પાર્લાથી જોગેશ્વરી સુધીના પૂર્વ બાજુના વિસ્તારોનો સમાવેશ કરતાં કે (પૂર્વ) વૉર્ડમાં કોરોનાનો કારમો ઉપદ્રવ છે ગત 18મી સપ્ટેમ્બર પછી કે (પશ્ચિમ) વૉર્ડમાં 1068, પી (ઉત્તર) વૉર્ડમાં 816, કે (પૂર્વ) વૉર્ડમાં 778 તેમજ પી (દક્ષિણ) વૉર્ડમાં 549 દરદીઓ ઉમેરાયા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer