રેમડેસિવિર ઇન્જેક્શન આપવા પૂર્વે કુટુંબીજનોની પરવાનગી લેવી ફરજિયાત

મુંબઈ, તા. 26 : રેમડેસિવીર ઇન્જેક્શનનો ઉપયોગ કોરોનાની સારવાર માટે કરતી વખતે એ મોડરેટ લક્ષણો ધરાવતા દરદીઓ માટે જ કરવો, એવો મહત્ત્વનો આદેશ મેડિકલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ ડિપાર્ટમોન્ટે આપ્યો છે. રેમડેસિવીર ઇન્જેક્શન આપવા અગાઉ દરદીના કુટુંબીજનોની પરવાનગી લેવી ફરજિયાત છે. તેમને આ અંગેની જાણકારી આપ્યા વગર ઇન્જેક્શન આપવું નહીં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. 
રેમડેસિવીરનો ઉપયોગ પૂર્ણપણે  પ્રભાવી હોવાનું હજુ સુધી સિદ્ધ થયું નથી. માત્ર સારવારમાં પ્રાયોગિક ધોરણે આ ઇન્જેક્શન આપવામાં આવે છે. સેન્ટ્રલ ડ્રગ રેગ્યુલેટરી બોર્ડ એન્ડ ટાસ્ક ફોર્સે આપેલા આદેશ મુજબ કોરોનાના દરદીના ઉપચાર માટે આ ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. અમુક દરદીઓને આ ઇન્જેક્શનનો ઉપયોગ સૌમ્ય લક્ષણ હોય છે ત્યારે જ સાવચેતીના પગલાં તરીકે કરવામાં આવે છે. એ માટે દરદીના કુટુંબીજનોને ભાગદોડ પણ કરવી પડે છે. પરંતુ જેમને મધ્યમ પ્રકારના લક્ષણો છે એમને માટે જ આ ઇન્જેક્શનનો ઉપયોગ કરવો જરૂરી છે. 
સ્ટેરોઈડનો ઉપયોગ એ ઓક્સિજનની જરૂર ન હોય એવા દરદીઓને કરવો નહીં. એની પ્રતિકુળ અસર દરદી પર થતી હોવાનું જણાયું છે. વિદેશમાં કોરોના સંક્રમિત થયા બાદ જેમને અૉક્સિજનની જરૂર હોય એવા દરદીઓને જ સ્ટેરોઇડનો ઉપયોગ લાભદાયી હોવાનું જણાયું છે. 
આ નિયમો મુજબ, દરદીને સંક્રમિત થયાના પહેલાં દસ દિવસમાં પાંચ દિવસ માટે ઇન્જેક્શનનો ડોઝ આપવામાં આવે. દસ દિવસ માટે આ ડોઝ આપવાની જરૂર નથી. આ અંગે ડિરેક્ટર ડૉક્ટર તાત્યારાવ લહાનેને પૂછતા તેમણે આ નિયમો દરદીના હિતમાં જરૂરી હોવાનું જણાવ્યું. દરદીને આ ઇન્જેક્શન આપતી વખતે એના સંબંધીઓની સહમતી લેવી પડશે એવી સ્પષ્ટતા પણ તેમણે કરી હતી. આ ઇન્જેક્શન આપ્યા બાદ અમુક દરદીઓને ઉલટી થવી, હાથપગ ધ્રુજવા, જુલાબ, ચક્કર આવવા જેવી તકલીફ થતી હોવાનું જણાયું છે. એટલે આ લક્ષણોને પણ ધ્યાનમાં રાખવા મહત્ત્વના છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer