કોરોનાના દરદીઓને અૉક્સિજન સરળતા ઉપલબ્ધ કરાવવામાં મુશ્કેલી

મુંબઈ, તા. 26 : કોરોનાના દરદીઓ માટે મેડિકલ અૉક્સિજનની માગમાં સતત વધારો થઈ રહ્યો છે. આ અંગે જરૂરિયાત હોય ત્યાં એનો પુરવઠો પૂરો પાડવા અંગે કેન્દ્ર સરકારે સ્પષ્ટ આદેશ આપ્યો છે ત્યારે મર્યાદિત ઉત્પાદકોની સંખ્યાની સાથે માત્ર પોતાના જિલ્લાને જ ધ્યાનમાં રાખવાની માનસિકતા અૉક્સિજનના પુરવઠામાં અડચણરૂપ બની રહી છે. ઉપરાંત ઉદ્યોગો માટે જરૂરી ઓક્સિજનનું ઉત્પાદન કરનારાઓ વધુ નફાને ધ્યાનમાં રાખી મેડિકલ અૉક્સિજનના ઉત્પાદનમાં રસ દાખવતા ન હોવાનો અનુભવ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન સહિત આરોગ્ય વિભાગને થઈ રહ્યો છે. આ અંગે ઉત્પાદક અને પુરવઠો પૂરો પાડનારાઓ સાથે સતત ચર્ચા કર્યા બાદ જરૂરી હશે ત્યાં પુરવઠો પૂરો પાડવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. 
રાજ્યમાં મુંબઈ, પુણે, થાણે ખાતે મેડિકલ અૉક્સિજનની માંગણી સૌથી વધુ છે. અત્યારે માગ અને પુરવઠામાં 100 મેટ્રિક ટનનો તફાવત છે. જોકે, આ માટે લૉજિસ્ટિક અંગેના અનેક કારણો હોવાનું એફડીએના સિનિયર અધિકારીએ જણાવ્યું. ઉપરાંત મોટા પ્લાન્ટ્સને ઉદ્યોગો માટેના અૉક્સિજનને બદલે માત્ર મેડિકલ અૉક્સિજન તૈયાર કરવાના લાઇસન્સ આપવામાં આવ્યા છે. અૉક્સિજન લઈ જનારા ટેન્કરને એમ્બ્યુલન્સનો દરજ્જો અપાતા રાત્રે પણ હેરાફેરી કરી શકશે. જોકે, પ્રતિ કિલોમીટરના દરમાં એકસૂત્રતા ન હોવાથી વધારાના દરનો બોજ દરદીઓના બિલમાં ઉમેરાવાની શક્યતા હોવાનું જણાવાઈ રહ્યું છે. 
અૉક્સિજનનો પુરવઠો કરવા માટે જરૂરી ટેન્કરની ઉપલબ્ધતા સહજતાથી થતી ન હોવાને કારણે પણ પુરવઠા પર અસર થાય છે. જે ટેન્કર નાઇટ્રોજન તથા અન્ય વાયુનો પુરવઠો કરે છે, એમાંના અમુક ટેન્કરને અૉક્સિજનનો પુરવઠો કરતા ટેન્કરમાં પરિવર્તિત કરાયા છે. કોવિડ ઉપરાંત અનેક હૉસ્પિટલમાં પણ અૉક્સિજનની જરૂરિયાત હોય છે. એટલે હવે કન્ટ્રોલ રૂમ તૈયાર કરી ત્યાં તમામ બાબતોની નોંધણી કરવામાં આવે છે. બુધવારે 792.067 મેટ્રિક ટન અૉક્સિજનનો વપરાશ દિવસભરમાં થયો. એ માટે 886.015 મેટ્રિક ટન અૉક્સિજન ઉત્પાદકો પાસેથી ઉપલબ્ધ થયો હતો. 
મુંબઈમાં તાત્કાલિક કેન્દ્ર શરૂ કરી અૉક્સિજનનું ઉત્પાદન કરવું શક્ય ન હોવાથી આગામી થોડા દિવસ ભિલાઈથી પુરવઠો પૂરો પડાશે. આ મહિનાની શરૂઆતમાં અૉક્સિજન પૂરો થયો હોવાથી તાત્કાલિક પુરવઠો પૂરો પાડવા કન્ટ્રોલ રૂમમાં ફોન આવતા એ હવે ઓછા થયા છે. બીજા દિવસે રાજ્યના ક્યા વિસ્તારમાં કેટલો અૉક્સિજન જોઇશે એની વિગત અગાઉથી મેળવી આયોજન કરવામાં આવે છે. મેડિકલ અૉક્સિજન માટે ઉત્પાદકોને અપાતો ભાવ એ ઔદ્યોગિક અૉક્સિજનની તુલનાએ ઓછો હોવાથી પણ ઉત્પાદન પર અસર પડે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer