લોકલ ટ્રેનમાં પ્રવાસની મંજૂરી આપો ડબ્બાવાળાઓની સરકારને અપીલ

લોકલ ટ્રેનમાં પ્રવાસની મંજૂરી આપો ડબ્બાવાળાઓની સરકારને અપીલ
મુંબઈ, તા. 12 : નોકરિયાતોને રોજ ટિફિન પહોંચાડતા મુંબઈના ડબાવાળાઓએ સરકારને વિનંતી કરી છે કે તેમને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની પરવાનગી આપે. કોવિડ-19 મહામારીને કારણે અત્યારે માત્ર આવશ્યક સેવાના કર્મચારીઓને જ લોકલમાં જવાની છૂટ અપાઈ છે.  
મુંબઈ ડબાવાળા અસોસિયેશનના પ્રમુખ સુભાષ તળેકરે કહ્યુ કે, લોકલ ટ્રેનની પરવાનગી મળે તો જ ડબાવાળા તેમનો ધંધો પૂરી ક્ષમતાથી કરી શકશે. ડબાવાળા પણ મુંબઈગરાને ટિફિન પહોંચાડવાની આવશ્યક સેવા પૂરી પાડી રહ્યા છે. હવે જ્યારે બધી અૉફિસો ખુલી રહી છે, ત્યારે કામ પર ઉપસ્થિત કર્મચારીઓ અમને પૂછી રહ્યા છે કે ટિફિન ક્યારથી પહોંચાડશો. 
અત્યારે જે ડબાવાળા સાયકલ પર દક્ષિણ મુંબઈ જઈ શકે છે 
તેઓ જ માત્ર ટિફિન સેવા પૂરી પાડી રહ્યા છે. કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખી તમામ સાવચેતીના પગલાં લઈ ટિફિન પહોંચાડાય છે. 
જેમ બાંધકામ ક્ષેત્રના મજૂરોને અપાઈ છે એમ અમે રાજ્ય સરકાર પાસે ડબાવાળા દીઠ પાંચ હજાર રૂપિયાની રોકડ સહાયની માંગણી કરી છે, એમ તળેકરે જણાવવાની સાથે ઉમેર્યું કે પ્રસ્તાવ અંગે રાજ્યની પ્રધાનમંડળની બેઠકમાં ચર્ચા થઈ છે પણ હજુ નિર્ણય લેવાયો નથી. 
શહેરમાં કુલ સાડાચારથી પાંચ હજાર જેટલા ડબાવાળા છે જેઓ રોજ લગભગ બે લાખ ટિફિન પરા વિસ્તારથી તળ મુંબઈ પહોંચાડે છે. ડબાવાળાના 130 વરસના ઇતિહાસમાં ક્યારેય ટિફિન સર્વિસ છ મહિના માટે બંધ રહી નથી. અમે અૉફિસ જનારાઓને સમયસર ટિફિન પહોંચાડવાની સાથે ખાલી ટિફિન પાછું ઘરે પહોંચાડીએ છીએ, એમ તેમણે જણાવ્યું. 
છેલ્લા છ મહિના દરમ્યાન, સામાજિક સંસ્થાઓ અને સ્વયંસેવકોએ અસોસિયેશનને આર્થિક સહાય કરી છે. જેના થકી ડબાવાળાને લૉકડાઉન દરમ્યાન નાણાકીય સહાયની સાથે જરૂરી ચીજવસ્તુઓ પૂરી પડાઈ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer