લૉકડાઉનનો વિષય પૂરો; હવે અનલૉકની ચર્ચા : રાજેશ ટોપે

લૉકડાઉનનો વિષય પૂરો; હવે અનલૉકની ચર્ચા : રાજેશ ટોપે
અહમદનગર, તા. 12 : કોરોનાના દર્દીની સંખ્યા વધી રહી છે એ ગંભીર બાબત છે એમાં કોઈ બે મત નથી. આને લીધે લોકોમાં જાગૃતિ આણવી જરૂરી છે લોકોએ સમજવું જોઈએ કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનો ઉપયોગ આવશ્યક છે. જાહેર સ્થળોમાં જે માસ્ક પહેરતા નથી કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા નથી. તેમને દંડ કરીને પાઠ ભણાવવાની પરિસ્થિતિ નિર્માણ થઈ છે.  
મહારાષ્ટ્રમાં કોરોના દર્દીનો આંકડો દસ લાખને આંબી ગયો  એ વિશે બોલતાં ટોપેએ કહ્યું હતું કે કોરોના દર્દીનો આંકડો દસ લાખને પાર કરી ગયો છે, પરંતુ આ સાથે ધ્યાનમાં લેવું જોઈએ કે આમાંથી સાડાસાત લાખ લોકો સાજા થઈને ઘરે ગયા છે. કુલ દર્દીનો આંકડો જોવાને બદલે એક્ટિવ પેશન્ટનો આંકડો જોવો જોઈએ. સક્રિય દર્દીમાંથી ત્રણ-ચાર ટકા ગંભીર છે મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દી વધી ગયા છે એ નકારી શકાય નહીં. જ્યાં સુધી રસી નહીં શોધાય ત્યાં સુધી કોરોના સાથે જ જીવતા શીખવું પડશે. આજે જે પેશન્ટને હૉસ્પિટલમાં બેડ, અૉક્સિજન આઈસીયુ બેડ વગેરે ઉપલબ્ધ કરવા અમે સતત પ્રયાસો કરીએ છીએ. અમે આના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.  
ટોપેએ કહ્યું હતું કે અમે મૃત્યુદર ઘટાડવા પ્રયત્ન કરીએ છીએ. એક જિલ્લામાં બેડની ક્ષમતા પૂરી થાય ત્યારે જનતા કર્ફયું સ્વયંભુ પાળીને લોકોએ ઘરે રહેવું જોઈએ. આનાથી કોરોનાનું સંક્રમણ અટકે છે અને સુવિધા વધારવામાં સમય મળે છે. આથી સ્થાનિક પ્રશાસન, પાલકપ્રધાન, લોકપ્રતિનિધિને લાગે તો નાની મુદતનો જનતા કર્ફયુ લાદવો જોઈએ. હવે સંપૂર્ણ લોકડાઉન લાદવાનો કોઈ સવાલ જ નથી. આ પ્રકરણ હવે પતી ગયું છે. આપણે હવે અનલોકનું કામ તબબક્કવાર કરી રહ્યા છીએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer