તમામ 16 ફલેટ માલિકોને ગેરકાયદે બાંધકામની નોટિસો અપાઈ છે

તમામ 16 ફલેટ માલિકોને ગેરકાયદે બાંધકામની નોટિસો અપાઈ છે
કંગના રહે છે એ ડીબી બ્રીઝ ટાવર
મુંબઈ, તા. 12 : અભિનેત્રી કંગના રાણાવત જ્યાં ફલેટ ધરાવે છે એ ખાર જિમખાના સામેના લક્ઝરી ટાવર ડીબી બ્રીઝના બધા 16 ફલૅટ છેક 2018થી નિયમોના ભંગ અને ગેરકાયદે બાંધકામો માટે મહાપાલિકાની નજરમાં છે.
આ અંગે એવું પણ જાણવા મળે છે કે જે પ્લોટ પર આ બિલ્ડિંગ બાંધવામાં આવી હતી એ પ્લોટ પણ એક સમયે મ્યુનિસિપલ મેટરનિટી હૉસ્પિટલ માટે આરક્ષિત હતો.
કંગનાનો પાંચમા માળ પરનો એકમાત્ર ફલેટ નહીં, પરંતુ બિલ્ડિંગના બધા ફલેટ પાલિકાના એચ. પશ્ચિમ વૉર્ડના બિલ્ડિંગ અને ફૅકટરી ડિપાર્ટમેન્ટની નજરમાં છે. માર્ચ, 2018માં આ ડિપાર્ટમેન્ટે સોસાયટીના ચૅરમૅન અને સેક્રેટરી સહિત ડીબી બ્રીઝના તમામ 16 ફલેટ માલિકોને નોટિસો આપી હતી.
પાલિકાની ટીમે કરેલા નિરીક્ષણમાં જણાઈ આવ્યું હતું કે દરેક ફલેટમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે. એચ-પશ્ચિમના આસિસ્ટન્ટ કમિશનર વિનાયક વિસપુતેએ જણાવ્યું હતું કે 2018માં પાલિકાએ ફલેટ માલિકોને નોટિસ આપી પછી તેઓ સિટી સિવિલ કોર્ટમાં ગયા હતા અને કોર્ટે `યથાવત્ સ્થિતિ' (સ્ટેટસ કવો) જાળવી રાખવા કહ્યું હતું.
એ બાદ આ સ્ટે રદ કરવાની દાદ ચાહતી અરજી પાલિકાએ 7 સપ્ટેમ્બરે દિંડોશી કોર્ટમાં કરી હતી. હવે કોર્ટમાં આ બાબતની સુનાવણી 25 સપ્ટેમ્બરે થશે, એમ વિસપુતેએ કહ્યું હતું.
ડીબી રિયલ્ટીએ લગભગ 15 વર્ષ પહેલાં આ પ્લોટ ખરીદ્યો હતો. બીલ્ડરે પ્લોટના 25 ટકા ભાગ પર મેટરનિટી હૉસ્પિટલ બાંધી હતી અને તેણે પાલિકાને વિનામૂલ્યે સોંપી દીધી હતી. પ્લોટના મોટા ભાગ પર ડેવલપરે 17 માળની ઈમારત બાંધી હતી, જ્યાં દરેક ફલેટ 18 કરોડથી 20 કરોડ રૂપિયામાં વેચાયા હતા. અહીં હૉસ્પિટલ લગભગ એક દાયકાથી ખાલી પડી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer