ત્રણ મુખ્ય રસ્તા પરનો વાહનવ્યવહાર સરળ બનાવવા પાલિકા 4500 બાંધકામ તોડશે

મુંબઈ, તા. 12 : એસવી રોડ, એલબીએસ રોડ અને જેવીએલઆર જેવા શહેરની ધમની જેવા રોડ પરનો વાહનવ્યવહાર સરળતાથી થઈ શકે એ માટે મહાપાલિકાએ 4500 ઘરો અને દુકાનો તોડવાની યોજના બનાવી છે. ઉપરાંત જેવીએલઆર પરના 730 વૃક્ષો કાપવાનું પણ વિચારી રહી છે. પાલિકા અસરગ્રસ્તોને વૈકલ્પિક રહેઠાણ કે આર્થિક વળતર આપશે અને જમીનમાલિકને ટીડીઆર આપશે. બે વરસમાં યોજનાને અમલમાં મુકવા માટે પાલિકાને 200 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ત્રણેય પટ્ટામાં પાલિકા 45,872 ચોરસ મીટર (11 એકર કરતા વધુ) જમીન હસ્તગત કરશે. 
પરાને તળ મુંબઈ સાથે જોડતા વેસ્ટર્ન એક્પ્રેસ હાઇવે અને ઇસ્ટર્ન એક્પ્રેસ હાઇવે બાદ એસવી રોડ અને એલબીએસ માર્ગ મુખ્ય વૈકલ્પિક રસ્તાઓ છે. જ્યારે જેવીએલઆર જોગેશ્વરી વિક્રોલીને જોડતો લિન્ક રોડ છે. 
પાલિકાના અધિકારીઓએ આ અંગેનું પ્રેઝન્ટેશન મુંબઈ ઉપનગરના પાલક પ્રધાન આદિત્ય ઠાકરે સમક્ષ ગુરુવારે કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ટ્રાફિકની સમસ્યા વગર બંને બાજુ સરળતાથી આવનજાવન કરી શકાય એ માટે રોડ પહોળા કરવા જરૂરી છે. એલબીએસ અને એસવી રોડ મેટ્રોના પિલર્સને કારણે સાંકડા થયા છે. અધિકારીએ જણાવ્યું કે એસ. વી. રોડને પહોળો કરવાનું કાર્ય લાંબા અરસાથી પેન્ડિંગ પડ્યું છે. 
એસવી રોડ પર બાન્દ્રા-જોગેશ્વરી વચ્ચે બાંધકામો હટાવી રસ્તા પહોળા કરવાનું કામ શરૂ કરાયું છે, એમ એક અધિકારીએ જણાવ્યું. ચાર મહિનામાં, વિવિધ સ્થળે આવેલા બાંધકામો હટાવી પાલિકા ગોરેગામથી દહિસર સુધીનો રોડ પહોળો કરવા અંગેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. 
પાલિકાના અધિકારીએ જણાવ્યુ કે, જેવીએલઆર માટે અમે મેટ્રો પ્રશાસન સાથે સંકલન કરી રહ્યા છે અને એ મુજબ કામની શરૂઆત કરાશે. આ પટ્ટામાં મેટ્રોનું કામ પૂરું થયે અમે કામની શરૂઆત કરશું જેથી વાહન ચાલકોને તકલીફ સહેવી ન પડે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer