વૃદ્ધ માતાને સરપ્રાઇઝ આપવા માગતા હતા કૅપ્ટન સાઠે

વૃદ્ધ માતાને સરપ્રાઇઝ આપવા માગતા હતા કૅપ્ટન સાઠે
મુંબઈ, તા. 8 : કેરળના કોઝીકોડ હવાઈમથકે તૂટી પડેલા ઍરઇન્ડિયા એક્સ્પ્રેસના પાઇલોટ કૅપ્ટન દીપક સાઠે (58) પોતાની માતાને આજના જન્મદિવસે સરપ્રાઇઝ દેવા માગતા હતા. શનિવારે તેમની માતાનો 84મો જન્મદિન હતો. કૅપ્ટન દીપક સાઠે લૉકડાઉન શરૂ થયા બાદ તેમની માતાને મળ્યા નહોતા. કૅપ્ટન સાઠેના ભત્રીજા ડૉક્ટર યશોધન સાઠેએ કહ્યું હતું કે દીપક છેલ્લે માર્ચમાં તેમના માતાપિતાને મળ્યા હતા. તેઓ માતાપિતા સાથે ફોન પર વાત કરતા એક દિવસ પહેલાં જ દીપકે તેમના માતાપિતા સાથે વાત કરી હતી. દીપકે તેમના કુટુંબીજનોને કહ્યું હતું કે જે ફ્લાઇટ ઉપલબ્ધ થશે તો હું નાગપુર જઈને મારા માતાપિતાને સરપ્રાઇઝ આપીશ. કૅપ્ટન સાઠે તેમની પત્ની સાથે ચાંદીવલીમાં રહેતા હતા.
કોઝીકોડની વિમાન દુર્ઘટનામાં માર્યા જનાર પાઈલોટ કૅપ્ટન દીપક સાઠેની માતા નીલાનો જન્મદિન હતો. 83 વર્ષનાં નીલા સાઠે કહે છે કે મારા પુત્રે સંકટના સમયે હિંમત દાખવીને બીજા પ્રવાસીના જીવ બચાવ્યા તેનો મને ગર્વ છે. કોને બચાવવા અને કોને મારવા એ તો ભગવાનના હાથમાં છે. ઈશ્વર આગળ કોઈનું ચાલતું નથી. મારો પુત્ર નાનપણથી હોંશિયાર હતો. તે દરેક ક્ષેત્રમાં પ્રતિભા સંપન્ન હતો. દીપકના 87 વર્ષના પિતા ભારતીય લશ્કરમાં કર્નલ હતા. તેમણે એટલું જ કહ્યું કે મારા પુત્રે બીજા ઉતારુના જાન બચાવ્યા તેનો મને ગર્વ છે.
ગૃહપ્રધાને લીધી મુલાકાત
મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે ગઈ કાલે કોઝીકોડમાં પ્લેન તૂટી પડવાની દુર્ઘટનામાં માર્યા જનાર પાઈલોટ કૅપ્ટન દીપક વી. સાઠેના કુટુંબની મુલાકાત લીધી હતી. પાઈલોટના કુટુંબે દેશના `ટેબલ ટોપ ઍરપોર્ટ' વિશે ચિંતા વ્યક્ત કરી હતી. કુટુંબીજનોએ કહ્યું હતું કે મુલકી ઉડ્ડયન ખાતાએ આવા બનાવો ફરી ન બને એની તકેદારી લેવી જોઈએ. ટેબલ ટોપ ઍરપોર્ટ ટેકરી કે પહાડ પરના સપાટ જમીન પર હોય છે. કુટુંબીજને કહ્યું હતું કે સાઠે અતિશય અનુભવી પાઈલોટ હતા અને તેઓ પ્લેનના ઉતરાણ વખતે કોઈ ભૂલ કરી જ ન શકે.
દીપક સાઠે નેશનલ ડિફેન્સ એકેડેમીના તાલીમાર્થી હતા. તેઓ જુલિયેટ સ્કેવડ્રોનમાં હતા. સાઠેએ ઍર ફોર્સ એકેડેમીની પરીક્ષા 1991માં ગૌરવ સાથે પાસ કરી હતી. તેઓ ફાઈટર પ્લેનના પાઈલોટ હતા.
દુબઈ-કલીકટ પ્લેન કોઝીકોડમાં ઉતરતી વખતે રનવે પરથી ખીણમાં પડી ગયું હતું. પ્લેનના બે ભાગ થઈ ગયા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer