મુંબઈમાં 1000થી વધારે નવા દર્દી અને 1454ને રજા અપાઈ

મુંબઈમાં 1000થી વધારે નવા દર્દી અને 1454ને રજા અપાઈ
રાજયમાં રેકર્ડ બ્રેક 12,822 નવા દર્દી; 275નાં મરણ
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 8 : મુંબઈમાં કોરોના કાબુમાં આવતો જાય છે. જોકે, આજે લાંબા સમય બાદ એક હજારથી વધારે નવા પોઝિટિવ દર્દી મળ્યા છે, પરંતુ સાજા થનાર દર્દીની સંખ્યા (1454) એના કરતા વધારે છે. મુંબઈમાં સરાસરી વૃદ્ધિદર એક ટકા (0.78)થી પણ નીચે ઊતરી ગયો છે. કોરોના મુંબઈમાં નિયંત્રણમાં આવી રહ્યો છે એનો બીજો સંકેત ડબલિંગ રેટ છે. આજે ડબલિંગ રેટ 89 દિવસ થયો છે.
શહેરમાં નોંધાયેલા 1.21 લાખ કોરોનાના પોઝિટિવ દરદીઓમાંથી ટૂંક સમયમાં રીકવરીનો આંકડો એક લાખ પર પહોંચશે. હાલ મુંબઈમાં રીકવરી રેટ 78 ટકા જેટલો છે, જે રાજ્ય (66.76 ટકા) અને દેશ 67.98 ટકા)ના રીકવરી રેટની સરેરાશ કરતા વધુ છે.  મુંબઈમાં જૂનની મધ્યમાં રીકવરી રેટ 50 ટકા હતો, ત્યારે કોવિડ-19ના ફેલાવાને રોકવા મુંબઈ મહાપાલિકાએ રૅપિટ ઍક્શન પ્લાન લૉન્ચ કર્યો. રીકવરી રેટ 1 જુલાઈએ 57 ટકા થયો જે વધીને 15 જુલાઈએ 70 ટકા થયો હતો, અને અત્યારે એ 77 ટકા જેટલો છે. નિષ્ણાતોની સાથે રાજ્યના કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોનું કહેવું છે કે રીકવરી રેટમાં થયેલો સુધારો ઇમ્યુનિટી વધવાની સાથે રોગની વહેલી જાણ થવી અને તુરંત સારવાર શરૂ થવાને કારણે થયો છે. 
બીવાયએલ નાયર હૉસ્પિટલના માઇક્રોબાયોલૉજીના નિવૃત્ત પ્રોફેસર માધવ સાઠેના જણાવ્યા મુજબ, ભૂતકાળમાં રોગચાળા દરમ્યાન નોંધવામાં આવ્યું છે કે વાઇરસમાં આનુવાંશિક ફેરફારો થાય છે. આ એક પરિવર્તનનો પ્રકાર છે જેમાં ફેલાવો ઝડપથી થાય છે પણ એની તીવ્રતા ઘટી જાય છે. રીકવરીમાં વધારો થવાનું આ પણ એક કારણ હોઈ શકે છે. જોકે, રૅપિડ ઍન્ટિજન ટેસ્ટિગ દ્વારા વહેલા નિદાનની સાથે તાત્કાલિક અપાતી સારવારને કારણે પણ રીકવરી રેટમાં વધારો થવાની સાથે મૃત્યનો દર ઘટાડી શકાયો છે. 
આજે શહેરમાં કોરોનાના 1304 નવા દર્દી મળ્યા હતા. આજે 58 મરણ નોંધાયાં હતાં. કુલ દર્દીની સંખ્યા 1,22,331 થઈ હતી. મહાનગરમાં કોરોનાએ કુલ 6,748 લોકોનો ભોગ લીધો છે. મૃતકોમાં 41 દર્દીને કોરોના ઉપરાંત બીજી બીમારી પણ હતી. 43 જણની વય 60ની ઉપર હતી. 13 દર્દી 40થી 60 વષર્ની વચ્ચેના હતા. બે મૃતકોની વય 40 વર્ષથી નીચે હતી. મૃતકોમાં 37 પુરુષ અને 21 દર્દી મહિલા હતા.
મુંબઈમાં મરણાંક 6,748નો થયો છે. આજે 1454 દર્દી સાજા થતા તેમને ઘરે જવાની રજા અપાઈ હતી. કુલ 95,354 દર્દી સાજા થયા છે. મુંબઈમાં રીકવરી રેટ 78 ટકા થયો છે. 1 અૉગસ્ટથી 7 અૉગસ્ટનો વૃદ્ધિદર 0.78 ટકાનો છે. મુંબઈમાં ડબાલિંગ રેટ 89 દિવસનો છે. મુંબઈમાં 19,932 સક્રિય દર્દી છે. મુંબઈમાં 5,92,230 ટેસ્ટ કરાઈ છે અને આમાંથી 1,22,331  લોકોની ટેસ્ટ પૉઝિટિવ આવી છે.  
રાજ્યમાં કોરોનાની કટોકટી ઘેરી બનતી જાય છે. આજે 12,822 દર્દી મળ્યા હતા. આટલી મોટી સંખ્યામાં દર્દી મળતા અગાઉના બધા વિક્રમો તૂટી ગયા છે. જોકે, આ સાથે આજે ચોવીસ કલાકમાં 11,081 દર્દીને રજા અપાઈ હતી. આજે રાજ્યમાં કોરોનાને લીધે 275 દર્દીના મૃત્યુ નોંધાયા હતા. મરણાંક 17,367 થયો છે. રાજ્યમાં મૃત્યુદર 3.45 ટકા થયો છે. રાજ્યમાં 1,47,048 સક્રિય દર્દી છે. કુલ 3,38,262 દર્દીને રજા અપાઈ છે. રીકવરી રેટ 67.26 ટકા છે. રાજ્યમાં કુલ 5,03,084 દર્દી નોંધાયા છે. 
રાજ્યમાં 9,89,612 લોકો ઘરે ક્વૉરેન્ટાઈન થયા છે. જ્યારે 35,625 લોકો ઈન્સ્ટિટયુશનલ ક્વૉરેન્ટાઈન થયા છે. આજે થાણે 6, થાણે પાલિકા 15, કલ્યાણ-ડોંબીવલી 12, મીરા-ભાઈંદર મહાનગરપાલિકા 9 અને નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 6 મરણ નોંધાયા હતા. રાજ્યમાં 26,47,020 ટેસ્ટ કરાઈ છે અને આમાંથી 5,03,084 ટેસ્ટના પરિણામ પૉઝિટિવ આવ્યા છે. પૉઝિટિવિટી રેટ 19 ટકા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer