સીબીઆઈના અધિકારીઓ મુંબઈ પોલીસની પરવાનગી નહીં લે તો તેમને ક્વૉરન્ટાઇન કરાશે : મેયર કિશોરી પેડણેકર

સીબીઆઈના અધિકારીઓ મુંબઈ પોલીસની પરવાનગી નહીં લે તો તેમને ક્વૉરન્ટાઇન કરાશે : મેયર કિશોરી પેડણેકર
મુંબઈ, તા. 8  : સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કેસની તપાસ હવે સીબીઆઈના અધિકારીઓ કરશે. પટનાના એસપી વિનય તિવારીને ક્વૉરન્ટાઇન કર્યા બાદ ભાર વિવાદ થયો હતો. એટલે મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે પાણી પહેલાં પાળ બાંધતા હોય તેમ સીબીઆઈના અધિકારીઓને સ્પષ્ટ ચીમકી આપી છે કે અન્ય રાજ્યોમાંથી આવનારાને પહેલાં મુંબઈ પોલીસની પરવાનગી લેવી પડશે. જો પરવાનગી નહીં લે તો નિયમ મુજબ 14 દિવસ ક્વૉરન્ટાઇન થવું પડશે. 
સુશાંત સિંહે 14 જૂન 2020ના આત્મહત્યા કરી હતી. સુશાંત સિંહ આત્મહત્યાની તપાસ મુંબઈ પોલીસ કરી રહી હતી. પરંતુ સુશાંતના પિતાએ પટના પોલીસમાં રિયા ચક્રવર્તી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ બિહાર રાજ્યની પટનાની પોલીસ મુંબઈ આવી તપાસ અને પૂછપરછ કરી રહી હતી. દરમ્યાન પટનાના એસપી વિનય તિવારી કેસની વધુ તપાસ માટે ફ્લાઇટ દ્વારા મુંબઈ આવતા તેમને 14 દિવસ માટે ક્વૉરન્ટાઇન કરાયા. આને પગે વિવાદે વરવું સ્વરૂપ લીધું. શુક્રવારે જ તેમને ક્વૉરન્ટાઇનમાંથી મુક્ત કરાયા બાદ તેઓ પટના પાછા ફર્યા હતા. 
દરમ્યાન, સુશાંત સિંહ રાજપુત કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવામાં આવે એવી માંગણીએ જોર પકડ્યું હતું. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. કોર્ટે આ અંગે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો. ત્યારે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી હતી કે સુશાંત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં કોઈ વાંધો નથી. આને પગલે તપાસ સીબીઆઈને સોંપવામાં આવી. હવે સુશાંત કેસની તપાસ કરવા સીબીઆઈના અધિકારીઓ મુંબઈ આવશે. 
કોરોના મહામારીને પગલે સીબીઆઈના અધિકારીઓને ચીમકી આપવામાં આવી છે. એસપી વિનય તિવારીની જેમ ફરી વિવાદ ન થાય એટલા માટે પોલીસની આગોતરી પરવાનગી લેવાનું મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું.  મુંબઈ મહાપાલિકાએ ક્વૉરન્ટાઇનનો સમયગાળો 14 દિવસનો કર્યો છે. આ નિયમ મુજબ સીબીઆઈના અધિકારીઓ રહેવું પડશે, એમ મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer