રોકાણ સલાહકારોનું નિયમન કરવા સેબીએ શૅરબજારોને પેટા કંપની સ્થાપવા પરવાનગી આપી

રોકાણ સલાહકારોનું નિયમન કરવા સેબીએ શૅરબજારોને પેટા કંપની સ્થાપવા પરવાનગી આપી
મુંબઈ, તા. 8 : સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ (આરઆઈએ)નું નિયમન કરવા માટે પેટા કંપનીઓ સ્થાપવાની પરવાનગી આપી છે.  
આરઆઈએની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સેબીએ આજે એક સર્ક્યુલર પ્રસિદ્ધ કરી જણાવ્યું છે. 19 માર્ચ 2019ના રોજ આરઆઈએની સંખ્યા 1136 હતી. 
શેર બજારમાં ટીપ આપતાં વર્તમાન રોકાણ સલાહકારો (આરઆઈએ)ને સેબીના આ નિર્ણયથી લેભાગુ અને રોકાણકારોને ગેરમાર્ગે દોરી નાણાં પડાવી લેતા બનાવતટી રોકાણ સલાહકારોથી સુરક્ષા મળશે. 
ટીબીએનજી કેપિટલ એડવાઈઝર્સના સ્થાપક તરુણ વિરાણીના જણાવ્યા મુજબ શેર બજારમાં નવા રોકાણકારો પાસેથી ઊંચી ફી લઈ તેમને ખોટી ટીપ આપતાં રોકાણ સલાહકારો ઉપર સેબીના નિર્ણયથી અંકુશ આવશે.  
એક માત્ર સેબી માટે આ દૂષણ દૈનિક ધોરણે ડામવું શક્ય નહીં હોવાથી શેર બજારોને પેટા કંપની શરૂ કરી રોકાણ સલાહકારોનું નિયમન કરવા પરવાનગી આપી હોવાનું વિરાણીએ જણાવ્યું હતું.  
જોકે, વર્તમાન આરઆઈએનું માનવું છે કે સેબીએ આ આદેશ વિશે વધુ સ્પષ્ટતા કરવાની જરૂર છે કારણકે શેર બજારો માત્ર નિયમન કરશે કે આરઆઈએના અન્ય કામકાજ ઉપર પણ દેખરેખ રાખી શકશે, તેની ચોખવટ થઈ નથી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer