સોનામાં તેજી આ વર્ષના આખર સુધી રહેવાની સંભાવના

સોનામાં તેજી આ વર્ષના આખર સુધી રહેવાની સંભાવના
અમારા પ્રતિનિધિ દ્વારા  
મુંબઈ, તા. 8?: સોનાના ભાવમાં જુલાઈમાં 10 ટકાનો સંગીન ઉછાળો જોવાયો હતો, જે જુલાઈ 2016 પછીનો સૌથી મોટો માસિક વધારો છે. 30 જુલાઈએ અમેરિકામાં સોનાનો વાયદો ઔંસ દીઠ 1985 ડૉલરે ક્વોટ થયો હતો, જ્યારે ચાંદીનો ભાવ એક માસમાં 33 ટકા ઉછાળે ઔંસદીઠ 23.94 ડૉલર બોલાયો હતો. ચાંદીમાં એશિયન દેશોની નવી રોકાણ માગ અને ઔદ્યોગિક માગનો સમન્વય થવાથી ભાવ ઝડપભેર વધીને સ્થાનિકમાં કિલોદીઠ રૂ. 65,000 ઉપર પહોંચ્યો હતો. એમ તો 2011માં ચાંદી રૂા. 75000 ક્વોટ થઈ હતી; પરંતુ સટ્ટો ચૂંથાઈ જતાં ભાવમાં જોતજોતામાં 40થી 50 ટકાનો કડાકો બોલી ગયો હતો. 
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના બુલિયન એનાલિસ્ટ સુકી હોપરે જણાવ્યું હતું કે ડૉલરની અને વૈશ્વિક અર્થતંત્રની નબળાઈને કારણે સોનાની તેજીમાં હજી જોર છે એમ કહી શકાય. ઉલ્લેખનીય છે કે ડૉલરના બાસ્કેટનો ભાવ એક મહિનામાં સૌથી વધુ દબાયો છે. અમેરિકાના અર્થતંત્રના આંકડા મહામંદી સૂચવતા હોવાથી મોટા રોકાણકારો અને હેજફંડોએ શૅર અને ખાનગી તેમ જ સરકારી બોન્ડ્ઝમાંનું રોકાણ હવે સોના-ચાંદી અને બિનલોહ ધાતુઓમાં ફેરવવું શરૂ કર્યાના સ્પષ્ટ સંકેત મળે છે. ભારતના શૅરબજારમાં વિદેશો રોકાણ સંસ્થાઓએ રૂા. 986 કરોડના શૅર વેચ્યા હતા. 
બીજી તરફ અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાનાર છે. અમેરિકામાં છેલ્લા આંકડા પ્રમાણે બેરોજગારોની સંખ્યા 14.3  લાખ પર પહોંચી હોવાથી ટ્રમ્પે 600 ડૉલરના વિશેષ બેરોજગાર ભથ્થાને થોડા વધુ મહિના ચાલુ રાખવા તૈયારી દર્શાવી છે. અમેરિકાના અર્થતંત્ર માટે 1 લાખ કરોડ ડોલરનું  પ્રોત્સાહન પેકેજ જાહેર કરવા તેઓ વિપક્ષની સંમતિ લેવા માગે છે. ચૂંટણી માથે હોવાથી પ્રમુખ ટ્રમ્પ પોતાની નેતાગીરી મક્કમ છે એમ બતાવવા ચીન સામે વધુ નિયંત્રણો મૂકી રહ્યા હોવાનું વિશ્લેષકો માને છે. અમેરિકાની રાષ્ટ્રીય આવકમાં 33 ટકાનો જંગી ઘટાડો નોંધાતા ટ્રમ્પ સામે વિરોધ વધ્યો છે. જેના પ્રતિભાવ તરીકે તેમણે ટીકટોક એપ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી છે. 
બેન્ક ઓફ અમેરિકા ગ્લોબલ રિસર્ચના અનુમાન પ્રમાણે અત્યારે અમેરિકામાં વ્યાજદર શૂન્ય નજીક છે. નવાં પ્રોત્સાહનોથી ફુગાવો વધશે. તેથી આગામી 18 મહિનામાં સોનાનો ભાવ 3,000 ડૉલરને આંબી શકે છે, એમ રોઈટરનો અહેવાલ જણાવે છે. જોકે, નાના રોકાણકારોએ માત્ર આવી આગાહીઓના આધારે રોકાણ કરવું સલાહભર્યું નથી એમ અનુભવીઓ સ્પષ્ટ જણાવે છે. 
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બૅન્કના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક ફંડ મૅનેજરોએ સોનાના રોકાણમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન વધુ 3.9 અબજ ડૉલર ઠાલવ્યા છે. અનેક બુલિયન એનાલિસ્ટો અને વિશેષજ્ઞોના અનુમાન પ્રમાણે ડિસેમ્બર સુધી સોના-ચાંદીમાં આંચકા છતાં તેજી ચાલુ રહેવાની સંભાવના છે. જો કે પ્રત્યાઘાતી ઘટાડાના આંચકા પણ મોટા રહેશે એ ધ્યાનમાં રાખવું અત્યંત જરૂરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer