મહારાષ્ટ્રમાં કોરોનાના પૉઝિટિવ કેસનો દર દેશમાં સૌથી વધારે

મહારાષ્ટ્રમાં કોરોનાના પૉઝિટિવ કેસનો દર દેશમાં સૌથી વધારે
રાજ્યમાં ચેપ ફેલાવાની સાંકળ તૂટી નથી
મુંબઈ, તા. 8 : મહારાષ્ટ્રનો કોવિડ-19નો પૉઝિટિવીટી દર 19.1 ટકાનો દેશમાં  સૌથી વધુ છે. રાષ્ટ્રીય સરેરાશ માત્ર 8.9 ટકા છે.  નિષ્ણાતોનું કહેવું છે કે આ આંકડો દર્શાવે છે કે રાજ્યમાં ચેપ હજી સતત ફેલાઈ રહ્યો છે અને કેટલાક જિલ્લાઓમાં પોઝિટિવીટી રેટ (પીઆર) 25 થી 30 ટકા જેટલો ઊંચો છે.
તેલંગણા 13.3 ટકાનાં દરે દેશમાં બીજું અને 12.5 ટકાના દરે દિલ્હી દેશમાં ત્રીજા સ્થાને છે. 
મહારાષ્ટ્ર સહિત બધા રાજ્યોમાં ટેસ્ટિંગનું પ્રમાણ વધ્યું હોવાથી પીઆર દરમાં મોટી વધઘટ જણાઈ છે. કેન્દ્ર સરકારે મૃત્યુનું દર ઘટાડવા વધુ પગલાં લેવાનું મહારાષ્ટ્ર સરકારને જણાવ્યું છે. હાલ રાજ્યમાં મૃત્યુનો દર 3.4 ટકા છે. રાષ્ટ્રીય દર 2.1 ટકા છે. વધુ અસરગ્રસ્ત 10 જિલ્લાઓ પર વધુ ધ્યાન આપવા જણાવાયું છે. રાજ્યના અધિકારીઓએ ઘણીવાર જણાવ્યું છે કે ટેસ્ટિંગનું પ્રમાણ વધુ હોવાથી પૉઝિટિવીટી દર વધ્યા છે. મહારાષ્ટ્રે જાન્યુઆરીથી 25.6 લાખ ટેસ્ટ કર્યા છે. જેમાંથી એકલા જુલાઈમાં જ 10 લાખ ટેસ્ટ કરાયા હતા, જોકે તામિલનાડુ કે ઉત્તર પ્રદેશની સરખામણી કરવામાં આવે તો આ અધિકારીઓના દાવાને સમર્થન મળી શકે નહીં. તામિલનાડુએ 30.9 લાખ ટેસ્ટિંગ કર્યા છે અને ત્યાં પીઆર રેટ 9.2 ટકા છે. ઉત્તર પ્રદેશે 28.9 લાખ ટેસ્ટ કર્યા છે અને ત્યાં પીઆર 3.9 ટકા છે. કર્ણાટકમાં 16 લાખ જેટલા ટેસ્ટિંગ થયા છે અને તેનો પીઆર દર 10.2 ટકા છે.
તાતા ઈન્સ્ટિટયૂટ અૉફ સોશિયલ સાયન્સિસ (ટીસ)ના પ્રોફેસર સુમિત્રા ઘોષે જણાવ્યું હતું કે રાજ્યનો પીઆર સતત ઊંચો રહેતો એનો અર્થ એવો થયો કે ચેપ સતત ફેલાઈ રહ્યો છે અને ચેપ લાગવાની સાંકળ તૂટી નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer