હવે થાણેમાં પણ પાણીકાપ

થાણે, તા. 8 : તળાવ વિસ્તારોમાં વરસાદ ઓછો પડતા પાંચમી ઓગસ્ટથી મુંબઈમાં 20 ટકા પાણીકાપ અમલમાં મુકાયા બાદ હવે થાણેના પણ કેટલાક વિસ્તારોમાં પાણીકાપ અમલમાં મુકાયો છે. મુંબઈ મહાપાલિકાએ થાણેને પૂરા પડાતા પાણી પુરવઠામાં પણ 20 ટકા કાપ મુકવાની જાહેરાત કરી હતી. બીએમસી થાણે શહેરને રોજનું 65 એમએલડી પાણી પૂરૂં પાડે છે. પાણીકાપ બાદ થાણેને રોજનું 13 એમએલડી જેટલું પાણી ઓછું મળશે. આને કારણે થાણેના કેટલાક વિસ્તારોમાં ઓછા દબાણ સાથે પાણી પુરવઠો થશે. 
મહાપાલિકાએ જણાવ્યું હતું કે આગામી થોડા અઠવાડિયામાં તળાવોમાં પાણીનો જથો કેટલો છે એના આધારે અઠવાડિયામાં એક કે બે દિવસ પાણી પુરવઠો પૂર્ણપણે બંધ રાખવામાં આવશે. મુંબઈને પાણી પૂરૂં પાડતા તળાવોમાં પાણીનો જથો જેટલો હોવો જોઇએ એટલો ઓગસ્ટ મહિના ન હોવાથી 20 ટકા પાણી કાપ અમલમાં મુક્યો છે. 
થાણે મહાપાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, મુંબઈ મહાપાલિકાના પત્ર મુજબ રોજના 13 એમએલડી કરતા ઓછું પાણી મળી રહ્યું છે. હાલની પરિસ્થિતિમાં અમે પાણી પુરવઠો પૂર્ણપણે બંધ નથી કરતા. જો તળાવોમાં આવનારા દિવસોમાં પાણીનો જથ્થો નહીં વધે તો વધુ પાણી કાપ અમલમાં મુકાશે. નૌપાડા અને જૂની માર્કેટ વિસ્તારમાં અઠવાડિયાના થોડા દિવસ ઓછા દબાણ સાથે પાણી મળશે. કોપરી, પાંચપખાડી, ગાંવદેવી, જાંબલી નાકા, ખારકર એલી, સ્ટેશન રોડ, લૂઈસ વાડી, અંબિકા નગર અને હજુરી ખાતેના રહેવાસીઓને પણ ઓછા દબાણ સાથે પાણી મળશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer