એમસીએક્સમાં સોના - ચાંદી વાયદામાં સાપ્તાહિક ધોરણે તીવ્ર ઉછાળો

કોટન વાયદામાં ગાંસડી દીઠ રૂા.280થી રૂા.420ની તેજી
મુંબઈ, તા. 8 :  કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર 31 જુલાઈથી 6 ઓગસ્ટના સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં 35,62,329 સોદાઓમાં કુલ રૂ.2,25,419.65 કરોડનું નોંધપાત્ર ટર્નઓવર થયું હતું. કીમતી ધાતુઓમાં સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.3,065 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.13,382 ઊછળ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ પણ વધીને બંધ થઈ હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં બેરલદીઠ રૂ.160ની વૃદ્ધિ થઈ હતી. નેચરલ ગેસ પણ વધ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં ગાંસડીદીઠ રૂ.280થી રૂ.420ની તેજી વાયદાના ભાવમાં રહી હતી. કપાસ, સીપીઓ અને મેન્થા તેલમાં સુધારાનો સંચાર થયો હતો. 
સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.53,000 ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.56,079 અને નીચામાં રૂ.53,000ના મથાળે અથડાઈ, આગલા સપ્તાહનાં રૂ.52,780ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.3,065 (5.81 ટકા)ના ઉછાળા સાથે રૂ.55,845ના સ્તરે બંધ થયો હતો. 
ગોલ્ડ-ગિનીનો ઓગસ્ટ વાયદો 8 ગ્રામદીઠ રૂ.42,550 ખૂલી, સપ્તાહના અંતે રૂ.2,860 (6.73 ટકા)ના ઉછાળા સાથે રૂ.45,361 થયો હતો. 
આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.45,390 અને નીચામાં રૂ.42,550 બોલાયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો ઓગસ્ટ વાયદો 1 ગ્રામદીઠ રૂ.5,318 ખૂલી, સપ્તાહના અંતે રૂ.381 (7.18 ટકા) વધી બંધમાં રૂ.5,691ના ભાવ થયા હતા. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.5,699 અને નીચામાં રૂ.5,318 બોલાયો હતો.  
સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.53,100 ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.56,199 અને નીચામાં રૂ.53,000 સુધી જઈ સપ્તાહના અંતે રૂ.3,292 (6.23 ટકા)ના ભાવવધારા સાથે બંધમાં રૂ.56,117ના ભાવ થયા હતા.  ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.63,344 ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.76,360 અને નીચામાં રૂ.63,344ના સ્તરને સ્પર્શી, આગલા સપ્તાહનાં રૂ.62,670ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.13,382 (21.35 ટકા)ના ઉછાળા સાથે રૂ.76,052ના સ્તરે બંધ થયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer