કોરોનાથી આર્થિક ભીંસમાં મુકાયેલા દરજીઓની વહારે આવ્યો સમાજ

મુંબઈ, તા. 8 : લોકડાઉનને કારણે અન્યોની જેમ દરજીઓ પણ કામધંધો ઠપ થવાથી આર્થિક ભીંસમાં આવ્યા હતા. આવા સમયે સક્ષમ જ્ઞાતિજનો એકત્ર આવ્યા અને સમાજના દરજીભાઈઓને આર્થિક સહાય કરીને દાખલો બેસાડ્યો છે.  
લોકડાઉનમાં દરજીકામ પર નભનારને જીવનનિર્વાહ ચલાવવો મુશ્કેલ થઈ ગયો હતો. આવા સમયે સમાજની હાકલને તુરંત પ્રતિસાદ આપતાં ઘણી સેવાભાવી સંસ્થા આગળ આવી અને જાતિ, ધર્મ, વર્ગ, જોયા વગર લોકોને મદદ કરી. દરજી જ્ઞાતિ સેવા સમાજના કાર્યકર્તાઓને પ્રેરણા મળી અને એક ગ્રુપ બનાવી કાર્યની શુભ શરૂઆત કરી.
સક્ષમ જ્ઞાતિજનો પાસે આર્થિક સહાયની મદદ કરવા ટહેલ નાખી. જ્ઞાતિજનોએ પ્રતિસાદ આપતાં લગભગ રૂા. 550000 જેવી માતબર રકમ જમા થઈ. રકમ જમા કરવામા મદદ કરનાર સૌનો દરજી જ્ઞાતિ સેવા સમાજના સર્વે કાર્યકર્તા દિલોજાનથી હાર્દિક આભાર વ્યક્ત કરે છે, એમ સમાજના પ્રમુખ તુલસીદાસભાઈ બલસારાએ જણાવ્યું હતું. આ સહાય થકી જ્ઞાતિના 110 પરિવારોને આર્થિક સહાય કરવામાં આવી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer