બાંધકામ ક્ષેત્ર માટે સારા સંકેત

મુંબઈ, તા. 4 : કોરોનાનો ફટકો બાંધકામ ક્ષેત્ર પર પણ પડ્યો હોવા છતાં આવતા છ મહિનામાં તેમાં સારા ફેરફાર થવાની અપેક્ષા છે. આ વર્ષના ચોથા ત્રિમાસિક સંદર્ભે કરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ બાંધકામ ક્ષેત્રમાં નિર્માણ થયેલી નકારાત્મકતા દૂર થશે એવો સૂર ઊઠી રહ્યો છે. નાઈટ ફ્રેન્ક, ફેડરેશન અૉફ ઇન્ડિયન ચેમ્બર્સ અૉફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી), નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (નેરડેકો)એ કરેલા સર્વેક્ષણમાં આ આશાસ્પદ ચિત્ર જોવા મળ્યું છે. 
કોરોના સંક્રમણને લીધે મોટાભાગના વ્યવસાય પર વિપરીત અસર પડી છે અને બાંધકામ ક્ષેત્ર પણ એમાં અપવાદ નથી. આગામી કેટલાક મહિનાનો અંદાજ માંડવા માટે આ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ડેવલપરો, રોકાણકારો અને નોન બૅન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા. 
આગામી છ મહિનામાં પરિસ્થિતિમાં ફેરફાર થવા બાબતે ડેવલપરો સકારાત્મક છે. તો સર્વેક્ષણમાં સહભાગી થયેલાં 67 ટકાએ આગામી છ મહિનામાં આર્થિક સ્થિતિ વધુ બગડશે અથવા વર્તમાન ચિત્ર યથાવત રહેવાનો મત નોંધાવ્યો છે. 28 ટકાએ વર્તમાનની આર્થિક તંગીની સ્થિતિ વધુ છ મહિના તો રહેશે એવું કહ્યું છે. ઘર બાંધકામ ક્ષેત્રનો વિચાર કરતાં 50 ટકા સહભાગીઓએ આગામી છ મહિનામાં ચિત્ર સારું હશે અથવા એ જ સ્થિતિ રહેશે એવું જણાવ્યું છે તો ઘરનાં વેચાણ બાબતે 31 ટકાએ પરિસ્થિતિ વધુ સુધરશે એવો મત નોંધાવ્યો છે. ઘર વેચાણ ક્ષેત્રે 31ટકાએ પરિસ્થિતિ સુધરશે એવું જણાવ્યું છે તો 49 ટકાએ છ મહિનામાં ઘરની કિંમત ધીરેધીરે ઓછી થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 
વ્યવસાયિક અૉફિસોની માગ છ મહિનામાં ઘટશે એવું 46 ટકા માને છે તો પંચાવન ટકા માને છે કે તેમાં વધારો થશે અથવા યથાવત રહેશે. જગ્યા ભાડા પર આપવાનું પ્રમાણ આ સમયમાં વધશે એવું 27 ટકા માને છે. બાંધકામ ક્ષેત્રમાં લોનપુરવઠો સરળ થવા સાથે પરવડનારા ઘર બાંધવા માટે પ્રોત્સાહન યોજના વગેરેની આવશ્યકતા હોવાનું નાઈટ ફ્રેન્કના અધ્યક્ષ, એડમિનિસ્ટ્રેટિવ ડિરેક્ટર શિશિર બજાજે જણાવ્યું હતું.
ઘર ખરીદવા કોરોના મહામારી પહેલાંના સમય કરતાં 50 ટકા પૂછપરછ નીકળી ભારતના મોટા શહેરોમાં રેહઠાણોની જગ્યાઓ માટેની પૂછપરછ કોરોના મહામારી પહેલાંના સમય કરતાં 50 ટકા જેટલી નીકળી છે, એવો અહેવાલ એનારોક પ્રોપર્ટી કન્સલ્ટન્ટે શુક્રવારે બહાર પાડયો હતો.
બેંગ્લુરુમાં સૌથી વધુ 70 ટકા જેટલી  ઘરોની પૂછપરછ થઈ રહી છે. ગત જાન્યુઆરી-ફેબ્રુઆરીની સરખામણીમાં આ પૂછપરછ છે. એ બાદ ગુરગાંવમાં લગભગ 65 ટકા જેટલી ઈન્કવાયરી નીકળી છે.
મુંબઈ મેટ્રો પૉલિટન રિજન (એમએમઆર) માં એપ્રિલથી જૂનના ત્રણ મહિનામાં જેટલું વેચાણ થયું હતું, એના 40 ટકા એકલી જુલાઈ મહિનામાં જોવાયું હતું. જુલાઈના અંતમાં સાઈટ વિઝિરો કોરોના પહેલાંના મહિનાઓની સરખામણીમાં 50 ટકા જેટલી થઈ હતી.
અહીં સંભવિત ખરીદદારોએ 60 લાખથી 1.3 કરોડ રૂપિયામાં 400થી 800 ચોરસફૂટનાં ઘર માટે પૂછપરછ કરી રહ્યા છે.
છ મહિનાથી એક વર્ષમાં સંપૂર્ણ બંધાઈ જાય એવાં બાંધકામ હેઠળનાં ઘરોની ભારે માગ છે. હાલ ભાડા પર રહેતા 30થી 35 વર્ષના વય જૂથનાં લોકો વધુ પ્રમાણમાં પોતાનું ઘર ખરીદવા માગે છે. કેટલાક ફલૅટ વાંચ્છુઓ વન બેડ ફલૅટમાંથી ટુ બેડ ફલૅટમાં જવા માગે છે. એમએમઆરમાં વધુ લોકો ટુ બેડ પર પસંદગી ઉતારી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer