નાયર હોસ્પિટલમાં પ્લાઝ્મા દાનની સેન્ચુરી

મુંબઈ, તા. 8 : પ્લાઝ્મા દાન માટે ઝુંબેશ અને પ્રયાસો શરૂ થયાના ત્રણ મહિના પછી, નાયર હોસ્પિટલમાં શુક્રવારે પ્લાઝમા દાનની સદી પૂરી થઇ હતી.. 100મા પ્લાઝમા દાતા ડો.અંજનેયા અગાશે બન્યા જેઓ કોરોના સામેનો જંગ જીતી ચૂક્યા છે, જો કે તેમના પિતા કોરોના વાયરસથી મૃત્યુ પામ્યા હતા. ડો અગાશેએ ત્રીજી વખત પ્લાઝ્મા દાન કર્યું. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે જાગૃતિ વધતી જાય છે તેમ કોરોનાને મ્હાત કરનારા દરદીઓ અન્ય ગંભીર કોરોના સંક્રમિત દર્દીઓ માટે પ્લાઝમા દાન આપવા આગળ આવી રહ્યા છે. 
બીમારીમાંથી સાજા થયેલા દર્દીઓના બ્લડ પ્લાઝ્મામાં એન્ટિબોડીઝ હોય છે જે કોરોના વાયરસને નિક્રિય બનાવે છે. આઇસીએમઆર ટ્રાયલના ભાગ રૂપે,  નાયર હોસ્પિટલે 40 થી વધુ દર્દીઓમાં પ્લાઝ્મા ટ્રાન્સફ્યુઝ્ડ કર્યું હતું. આંખના સર્જ્યન ડો.અગાશેએ એન્ટિબોડીઝનું સ્તર ન ઉંચુ રહે ત્યાં સુધી પ્લાઝ્માનું દાન કરવા માગે છે. 54 વર્ષના ડો અગાશે 11 મી મેની આસપાસ બીમાર પડ્યા હતા. તેમને કોઈ દર્દીથી ચેપ લાગ્યો હોવાની શંકા છે. તેમના જણાવ્યા પ્રમાણે મને ત્રણ દિવસ સુધી તાવ આવ્યો અને ગળામાં બળતરા થતી હતી. સારવાર બાદ  હું સ્વસ્થ થઈ ગયો. પરંતુ મારા 89 વર્ષના, પિતા સાયન હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. મારી પત્ની અને પુત્રના કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યા હતા. અમે ત્રણેયે ચેપ પર કાબૂ મેળવ્યો, પરંતુ મારા પિતાએ દમ તોડી દીધો.  
પાલિકાએ 17 એપ્રિલના રોજ પ્લાઝ્મા અલગ તારવવા માટે અફેરેસીસ મશીન ખરીદ્યું હતું. સ્વયંસેવકો અને સામાજિક સંસ્થાઓની મદદથી નાયર હોસ્પિટલે 100 દાતાઓ મેળવ્યાં છે. પાલિકાએ સંભવિત દાતાઓને સલાહ માટે એપ્રિલમાં કોવિડ યોદ્ધા અને ત્યાર બાદ જૂનમાં મુંબઈ ધડકન નામની સંસ્થાઓ સાથે હાથ મિલાવ્યા હતા. મહારાષ્ટ્રમાં લગભગ 3.16 લાખ દરદીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે,  તેમાંથી 92,000 મુંબઇના છે. પરંતુ 100 દાતાઓ 1,000 થી વધુ કોલ કર્યા પછી મળી આવ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer