બુધવારે તળ મુંબઈમાં પૂરમાં ડૂબી ગયેલાં યુવાનના પરિવારને 10 લાખની સહાય આપવાની માગણી

વિધાનસભ્ય અમીન પટેલે મુખ્ય પ્રધાનને લખ્યો પત્ર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : બુધવાર, પાંચમી અૉગસ્ટે તળ મુંબઈમાં તૂટી પડેલા ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી એ પૂરમાં ડૂબી ગયેલા 42 વર્ષીય અબ્દુલ કરીમ મિયાં અહમદના પરિવાર પર આભ તૂટી પડયું છે. પરિવારના તેઓ એક માત્ર કમાનાર વ્યક્તિ હતાં. પત્ની બે બાળકો અને માબાપ સાથે રહેતા હતા. તેમના માતાને કૅન્સર છે અને પિતા પ્રજ્ઞાચક્ષુ છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં કૉંગ્રેસ પક્ષના ડેપ્યુટી લીડર અમીન પટેલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને અબ્દુલ અહમદના પરિવારને 10 લાખ રૂપિયાની સહાય કરવાની અપીલ કરી છે. પટેલે પત્રમાં જણાવ્યું છે કે અબ્દુલ અહમદ બુધવારે સાંજે કામપરથી ઘરે જઈ રહ્યા હતા. કમનસીબે તેમનો મૃતદેહ એસપીવી રોડ પર અલંકાર સિનેમા પાસેથી મળી આવ્યો હતો. તેમના પોસ્ટ મોર્ટમના રિપોર્ટમાં જણાવ્યું છે કે પાણીમાં ડૂબી જવાથી તેમનું મૃત્યુ થયું હતું.
સમગ્ર પરિવારનું ભરણપોષણ કરનાર અબ્દુલના પરિવારને ભારે આઘાત લાગ્યો છે. રાજ્ય સરકારે પરિવારને ઓછામાં ઓછી 10 લાખ રૂપિયાની સહાય કરવી જોઈએ, એમ પટેલે જણાવ્યું છે.
અબ્દુલ અહમદ એક કારપેટની કંપનીમાં કારકૂનની ફરજ બજાવતા હતા. બીજા દિવસે પાણી ઉતર્યું ત્યારે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમનો મૃતદેહ જ્યાંથી મળી આવ્યો એ સ્થળે બે વૃક્ષો પણ તૂટી પડયા હતા. તેમણે પાણીમાં સંતુલન કેમ ગુમાવ્યું એની ખબર પડતી નથી, એમ એક સગાંએ કહ્યું હતું.
બુધવારે સાંજે સુમારે 7 વાગે તેમણે પત્નીને ફોન કરીને કહ્યું હતું કે ત્યાં પાણી ભરાયાં છે અને હું બાબુલનાથ મંદિર પાસેથી બસ પકડીને આવું છું. એ બાદ પત્નીએ તેમનો ફોન પર સંપર્ક કર્યો ત્યારે મોબાઇલ અનરીચેબલ આવતો હતો. પરિવાર તેમના આવવા જવાના રસ્તે તેમની શોધ માટે બે પ્રયાસ કર્યા હતા પણ ઠેકઠેકાણે ભારે પાણી ભરાયેલાં હતાં. એથી વધુ પ્રયાસ કરી શક્યા નહીં.
તેમના એક સંબંધી મોહમદ આદીલે કહ્યું હતું કે મધરાતે અમે ડોંગરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા. તેમણે અમને ગામદેવી પોલીસ સ્ટેશનમાં પણ તપાસ કરવા કહ્યું હતું પણ ત્યાં કોઈ માહિતી નહોતી.
છેવટે બીજા દિવસે તેમનો મૃતદેહ અલંકાર થિયેટર પાસેથી મળી આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે શહેરના જાણીતા ગેસ્ટ્રોએન્ટ્રોલૉજીસ્ટ ડૉ. દીપક અમરાપુરકર (58) અૉગસ્ટ 2017માં ભારે વરસાદને કારણે રસ્તા પર ચાલતાં ખુલ્લી ગટરનાં મેનહૉલમાં પડી જતાં મૃત્યુને ભેટયા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer