ગાયિકા આશા ભોસલેને આવ્યું 2,08,000 રૂપિયાનું વીજ બિલ

ગાયિકા આશા ભોસલેને આવ્યું 2,08,000 રૂપિયાનું વીજ બિલ
મુંબઈ, તા. 1 : સામાન્ય વપરાશકારો સાથે સેલિબ્રિટીઓ પણ ઊંચા વીજળી બિલથી પરેશાન છે. તાજેતરમાં અભિનેત્રી તાપસી પન્નુ, રેણુકા શહાણે, પૂજા બેદી, હરભજન સિંઘ, દિવ્યા દત્તા વગેરે સેલિબ્રીટીઝએ વધુ બિલની ફરિયાદ કરી હતી. ત્યારે હવે વિખ્યાત ગાયિકા આશા ભોસલેએ પણ વીજળીના તોતિંગ બિલની ફરિયાદ કરી છે. આટલું બિલ કેવી રીતે આવ્યું? એવો પ્રશ્ન તેમણે વીજ કંપનીને ર્ક્યો છે.
એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે આશા ભોંસલેને જૂન મહિનાનું 2.08 લાખ રૂપિયાનું જંગી બિલ આવ્યું છે. આ બિલ તેમના લોનાવલા ખાતેનાં બંગલોનું છે. એપ્રિલ અને મે મહિના દરેકમાં તેમને માત્ર 8000 રૂપિયાનું બિલ આવ્યું હતું.
ત્યારે એક મહિનામાં બે લાખ રૂપિયાથી વધુનું બિલ કેમ આવી શકે? એવો પ્રશ્ન તેમણે કંપનીને ર્ક્યો છે.
જોકે, તેમની મહાવિતરણ (એમએસઈડીસીએલ) કંપનીએ ભોંસલેને જણાવ્યું છે કે બિલમાં કોઈ ગોટાળો થયો નથી. મીટર રીડિંગ પ્રમાણે જ તેમને બિલ મોકલવામાં આવ્યું છે.
રાજ્યના અંદાજે બે કરોડ ડૉમેસ્ટિક વીજ ગ્રાહકોને તેમનાં અંદાજ કરતાં ગણાં વધુ બિલ આવ્યા છે. આથી રાજ્યભરમાં વીજ કંપનીઓ વિરુદ્ધ આક્રોશ ફેલાયો છે. જોકે, વીજળી નિષ્ણાંત પ્રતાપ હોગાડેએ બિલ વધારા માટે બે મુખ્ય કારણ જણાવ્યાં છે. પહેલું કારણ કુદરતી છે. માર્ચથી જૂનએ ઉનાળાનો સમય હોય છે. ઉપરાંત એ સમયમાં લૉકડાઉનને કારણે બધા પરિવારજનો તેમના ઘરમાં જ હતા. લાઈટો, પંખા, ટીવી, કૉમ્પ્યુટર સતત ચાલુ હતાં. આથી વીજ વપરાશ વધ્યો હતો.
બીજું મહત્ત્વનું કારણ એ છે કે 1લી એપ્રિલ 2020થી વીજદરમાં થયેલો વધારો. 1લી એપ્રિલ પછીનાં એ પહેલાં જ બિલ છે અને તે અઢી મહિના વધારેલા દરની છે. ગ્રાહકોને ખરો વિરોધ વીજ દર વધારાનો હોવો જોઈએ. પણ દર વધારાની માહિતી જ ન હોવાથી બિલ ખોટાં આવ્યાનું તેમને લાગે છે, એવી માહિતી હોગાડેએ આપી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer