મુંબઇના લોખંડ બજારમાંથી માલની રવાનગી શરૂ થઈ

મુંબઇના લોખંડ બજારમાંથી માલની રવાનગી શરૂ થઈ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : જથ્થાબંધ લોખંડ બજારમાં ધીમી પણ સ્થિર ગતિએ વેપારનું કામકાજ વેગ પકડી રહ્યું છે. કલમ્બોલી ખાતેના મુખ્ય બજારકેન્દ્ર ખાતેથી લોખંડની 25થી 30 ટકા સુધીની માલ રવાનગી શરૂ થઇ છે. જો કે, લોખંડના વેપારીઓ અને કાર્યાલયોના કર્મચારીઓએ કોરોનાના પ્રસારને લીધે ઘરેથી કામ કરવાની  નીતિ મોટાભાગે સ્વીકારી લીધી  હોવાથી કર્ણાક બંદર ખાતે હાજરી ઓછી દેખાય છે એમ બજારનાં સૂત્રો જણાવે છે. 
પશ્ચિમ ભારતના મુખ્ય લોખંડ કેન્દ્ર ગણાતા મુંબઈના જથ્થાબંધ લોખંડ બજારમાંથી ગુજરાત અને મધ્ય પ્રદેશ ખાતે માલો રવાના થઇ રહ્યા છે. બજારનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોટેભાગે સરકારી-અર્ધસરકારી પ્રોજેક્ટો અને નાના મોટા ઉદ્યોગોમાં લોખંડની રવાનગી કરાય છે. મુંબઈ નજીક તળોજા ઔદ્યોગિક વસાહત ખાતે લગભગ તમામ કારખાનાં ચાલુ થઇ ચૂક્યાં હોઇ આ કેન્દ્ર ખાતે પણ લોખંડની રવાનગી વધી રહી છે. 
અત્રેથી સીઆર શીટસ, એચઆર કોઇલ્સ, ગેલ્વેનાઈઝ પતરાં (શીટસ) સહિત અનેક પ્રકારનો લોખંડનો સામાન અગાઉની જેમ મોકલાતો થયો છે. અલબત્ત, હવે મોટાભાગની રવાનગી માત્ર કેશ એન્ડ કેરી ધોરણે થાય છે. બજારોમાં અગાઉનાં બાકી નાણાં પાછાં ફરવાનું પ્રમાણ માત્ર 10 ટકા હોવાથી હવે કોઇની પાસે નવી ઉધારી માગવાની હિંમત કે આપવાની જગ્યા બચી નથી એમ સ્થાનિક સપ્લાયરોએ જણાવ્યું હતું. કલમ્બોલી કેન્દ્ર ખાતે સોમવારથી ગુરૂવાર સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ગોદામ અને કાર્યાલય ચાલુ રાખવા મંજૂરી અપાઈ હોવાથી બજારમાં રાહતની લાગણી છે. 
બીમાના ભૂતપૂર્વ પ્રમુખ અનીશ વળિયાએ જણાવ્યું હતું કે ધીમે ધીમે શરૂ થયેલ લોખંડ બજારનાં કામકાજને સકારાત્મક રીતે લઇને વેપારીઓએ પુન: ધંધો શરૂ કર્યો છે. નાણાભીડ સખત હોવાથી નવી ઉધારી માટે કોઇની તૈયારી નથી એ સ્પષ્ટ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer