મહારાષ્ટ્રમાં 91 ટકાનું વાવેતર થતાં પાકના ઉજળા સંજોગ

મહારાષ્ટ્રમાં 91 ટકાનું વાવેતર થતાં પાકના ઉજળા સંજોગ
મુંબઈ, તા. 1 : આ ચોમાસામાં રાજ્યભરમાં સાર્વત્રિક સારો વરસાદ થતાં અત્યાર સુધી 91 ટકા જેટલું વાવેતર થઈ ચૂક્યું છે એટલે કૃષિકારો તેમ જ રાજ્યના અધિકારીઓને આશા છે કે આ વર્ષે બમ્પર કૃષિ ઉત્પાદન થશે.
27 જુલાઈએ કૃષિ વિભાગે મેળવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં 1.42 કરોડ હેક્ટર જમીનમાંથી 1.29 કરોડ હેક્ટરમાં ખરીફ પાકોની વાવણી થઈ ગઈ છે. ગત વર્ષે 1.15 કરોડ હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું.
મગફળી અને સોયાબીન જેવાં તેલીબિયાંનું વાવેતર 42.89 લાખ હેક્ટરને આંબી ગયું છે. જ્યારે કઠોળનું વાવેતર 90 ટકા જેટલું પૂરું થઈ ગયું છે.
કઠોળનું વાવેતર 19.98 લાખ હેક્ટરમાં થઈ ચૂક્યું છે અને સામાન્ય રીતે તે સરેરાશ 22.17 લાખ હેક્ટરમાં થતું હોય છે.
આ વર્ષે ખેડૂતોએ અડદ અને તુવેરના વાવેતર પર વધુ પસંદગી ઉતારી છે. અડદનું 101 ટકા અને તુવેરનું 94 ટકા વાવેતર થયું છે. જ્યારે કપાસનું વાવેતર 99 ટકા થયું છે.
આ વખતે ઉલ્લેખનીય બાબત એ છે કે દુષ્કાળગ્રસ્ત મરાઠવાડા પ્રદેશના આઠ જિલ્લાઓમાં 31 જુલાઈ સુધી તેમની સરેરાશ કરતાં 128 ટકા વરસાદ પડી ગયો છે. આ વર્ષે મરાઠવાડાનો પાણીનો સ્ટોક 36.03 ટકા છે જે ગત વર્ષે આજ દિવસે માત્ર 0.98 ટકા જ હતો. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સરેરાશ 51.6 ટકા વરસાદ પડી ચૂક્યો છે અને તળાવોમાં 38 ટકા પાણી ભરાયું છે. કૃષિ પ્રધાન દાદાજી ભુસેએ કહ્યું હતું કે જો બાકીના ચોમાસામાં પણ સારો વરસાદ પડે તો આ વર્ષે રાજ્યમાં બમ્પર પાક આવશે. નાસિક અને રાયગઢના કેટલાક વિસ્તારોને બાદ કરતાં તમામ ઠેકાણે સારો વરસાદ પડયો છે.
ચોમાસું વહેલું બેસી જતાં યુરિયાની માગમાં ઓચિંતો ઉછાળો આવ્યો હતો પરંતુ અમારા મંત્રાલયે તેનો પુરવઠો જાળવી રાખ્યો હતો. આવતા વર્ષથી મે મહિનામાં જ લોન આપવામાં આવશે.
બાળાસાહેબ સાવંત કોંકણ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર એસ.એસ. મગરે કહ્યું હતું કે રાજ્યમાં આ વર્ષે 1.8 કરોડથી અનાજનો પાક થવાની શક્યતા છે અને મરાઠવાડામાં ઉત્પાદનમાં મોટો જંપ આવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer