આજે મુંબઈમાં ભારે વરસાદની આગાહી : બુધવાર માટે અૉરેન્જ ઍલર્ટ

શહેરમાં જુલાઈનો વિક્રમસર્જક વરસાદ પડયો
મુંબઈ, તા. 1 : મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં રવિવારથી વરસાદનું પ્રમાણ વધશે, એવી આગાહી ભારતીય હવામાન ખાતાએ કરી છે.
રવિવારે મુંબઈમાં ભારે વરસાદ પડશે. જ્યારે ત્રીજી અૉગસ્ટ સોમવારથી મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ પણ બુધવાર માટે અપાઈ છે.
રવિવારથી ઉત્તર કોંકણ, દક્ષિણ કોંકણ, મુંબઈ, થાણે, નવી મુંબઈ સહિતના પશ્ચિમ કિનારે ભારે વરસાદ પડશે, એમ ભારતીય હવામાન ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ કે. એસ. હોસલીકરે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડશે. તેમ જ કોંકણ અને ગોવામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
દરમિયાન આ વર્ષે જુલાઈ મહિનામાં મુંબઈમાં આટલા વર્ષોમાં સૌથી વધુ 1502.7 મિલિમીટર (લગભગ 60 ઈંચ) વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાએ છેક 1944થી વરસાદના આંકડા રાખવાની શરૂ ર્ક્યા ત્યારથી આજ સુધી જુલાઈનો આ સૌથી વધુ વરસાદ છે.
શહેરમાં સમગ્ર ચોમાસામાં જે સરેરાશ વરસાદ પડે છે. તેનો 84 ટકા વરસાદ એકલા જુલાઈ મહિનામાં પડી ગયો છે. જોકે, શહેરને પાણી પુરું પાડતા તળાવોના જળગ્રાહી વિસ્તારોમાં ઘણો ઓછો વરસાદ પડયો છે જે ચિંતાની બાબત છે અને એટલે મહાપાલિકાએ પાંચમી અૉગસ્ટથી શહેરમાં 20 ટકા પાણી કામ લાદયો છે.
જોકે, અૉગસ્ટનો વરસાદ તે સરભર કરી શકે છે કારણ કે હવામાન ખાતાએ રવિવારે ભારે વરસાદ સાથે યલો એલર્ટ અને સોમવારથી બુધવાર સુધી અતિભારે વરસાદની ઓરેન્જ એલર્ટ આપી છે.
શહેરમાં 2014માં જુલાઈ મહિનામાં 1468.5 મિલિમીટર વરસાદ પડયો હતો જે બીજો નંબરનો સૌથી વધુ વરસાદ હતો.
આ વર્ષે 1લી જૂનથી શહેરમાં 1897.60 મિલિમીટર (લગભગ 76 ઈંચ) વરસાદ પડી ચૂકયો છે જે સરેરાશ કરતાં 565.1 મિલીમીટર (22.5 ઈંચ) વધારે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer