પદવી પરીક્ષા બાબતની સુનાવણી 10મી અૉગસ્ટે

મુંબઈ, તા. 1 : કોરોના સંક્રમણને લીધે અંતિમ વર્ષની પરીક્ષા અનિવાર્ય કરનારી છ જુલાઈની માર્ગદર્શક સૂચનાઓમાં યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન) ફેરફાર કરવા માગતું ન હોવાનું એણે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કર્યું છે. અંતિમ વર્ષની પરીક્ષા રદ કરવાની માંગણી કરતી અરજી પર હવે 10મી ઓગસ્ટે સુનાવણી થશે. 
દેશમાં કોરોના સંક્રમણ દિવસે દિવસે ગંભીર બની રહ્યું છે, એ ધ્યાનમાં લીધા વગર યુજીસીએ અંતિમ વર્ષની પરીક્ષા લેવાના નિર્દેશ આપ્યા છે, એવી ફરિયાદ અનુભવ શ્રીવાસ્તવ સહાય નામના વિદ્યાર્થીએ પોતાની અરજીમાં કરી છે. પદવી પરીક્ષા રદ કરીને વિદ્યાર્થીઓની અગાઉની કામગીરીને આધારે પરિણામ જાહેર કરવું એવી માગણી અરજદારે કરી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અશોક ભૂષણની ત્રણ સભ્યોની ખંડપીઠ સમક્ષ શુક્રવારે યુજીસીની માર્ગદર્શક સૂચનાઓ સામે દાખલ કરવામાં આવેલી ચાર અરજીઓ પર સુનાવણી થઇ હતી. યુજીસીએ છ જુલાઈએ જાહેર કરેલી સુધારિત માર્ગદર્શિકામાં દેશની તમામ યુનિવર્સીટીને સપ્ટેમ્બરના અંત સુધીમાં અંતિમ વર્ષની પદવી પરીક્ષા ઓનલાઇન, ઓફલાઈન અથવા બંને પદ્ધતિ લેવાનું ફરજીયાત હોવાનું જણાવ્યું છે. અંતિમ વર્ષના અથવા અંતિમ સેમિસ્ટરના પરીક્ષા આપી ન શકનારા વિદ્યાર્થીઓ માટે યુનવર્સીટીઓએ સપ્ટેમ્બરના અંત સુધીમાં શક્ય હોય ત્યારે વિશેષ પરીક્ષાનું આયોજન કરવાની પરવાનગી આપી હોવાની માહિતી પણ યુજીસીએ સુપ્રીમ કોર્ટને આપી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer