ધારાવી પ્રોજેક્ટ ગ્રસ્તો માટે માટુંગામાં રેલવેની 46 એકર જમીન રાજ્યે કેન્દ્ર પાસેથી માગી

મુંબઈ, તા. 1 : માટુંગા ખાતેનો 46 એકરનો રેલવે પ્લોટ તત્કાળ પોતાને સુપરત કરવા કેન્દ્ર સરકાર સમક્ષ રજુઆત કરવાનો રાજ્ય સરકારે શુક્રવારે નિર્ણય લીધો હતો. ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટથી અસર પામેલા ઝૂંપડાવાસીઓને વસાવવા આ પ્લોટ પર ટ્રાન્ઝટ કૅમ્પ બાંધવાની યોજના છે.
શુક્રવારે આ સંબંધમાં યોજાયેલા સમીક્ષા બેઠકમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, હાઉસિંગ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સંબંધમાં આવ્હાડે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે પ્રધાન પીયૂષ ગોયલ સાથે આ સંબંધમાં વાત કરશે.
2.4 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા ધારાવીમાં 60,000 પરિવાર અને 8.5 લાખ લોકો વસે છે. અત્યારસુધીમાં ત્યાં કોરોનાના 2556 કેસ નોંધાયા છે. પણ હવે ત્યાં કેસ ઘટી ગયા છે. શુક્રવારે માત્ર પાંચ નવા કેસ બહાર આવ્યા હતા અને હવે ત્યાં માત્ર 77 એક્ટિવ કેસ છે.
આવ્હાડે કહ્યું હતું કે આ ઝૂંપડપટ્ટીના રિડેવલપમેન્ટ માટે આના કરતાં બીજો ઉતમ સમય હોઈ શકે નહીં. ત્યાં ભારે ગીચ વસતિ અને કોમન શૌચાલયોને કારણે મોટા પ્રમાણમાં ચેપ ફેલાયો હતો.
રાજ્ય સરકારે માટુંગાની આ જમીન માટે રેલવેને 800 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે અને આ પ્લોટ બીકેસીથી તદન નજીક છે.
છેક 2004થી દરેક રાજકીય પક્ષે ધારાવીનો પુનરોદ્ધાર કરવાનો પ્રયાસ ર્ક્યો છે પણ હજી સુધી આ યોજના અમલમાં આવી નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer