લોકલ ટ્રેનમાં વકીલોને પરવાનગી અંગેનો નિર્ણય ગુરુવાર સુધીમાં આપો

મુંબઈ, તા. 1 : ન્યાયાલયમાં પહોંચીને ન્યાય મેળવવો એ નાગરિકોનો મૂળભૂત હક છે અને ન્યાયદાનની પ્રક્રિયામાં વકીલ, ન્યાયવ્યવસ્થાનો એક અવિભાજ્ય હિસ્સો છે, એ રાજ્ય સરકારે ધ્યાનમાં લેવું જોઈએ. તે અંતર્ગત મુંબઈ અને મુંબઈ સાથે જોડાયેલા ભાગોમાં રહેતા વકીલોને અદાલતમાં જવા માટે લોકલમાં પ્રવાસ કરવાના પ્રશ્ન પર સરકારે ગુરુવાર સુધીમાં કાયદામુજબ યોગ્ય તે નિર્ણય આપવો એવો વચગાળાનો આદેશ મુંબઈ ઉચ્ચ અદાલતે શુક્રવારે આપ્યો હતો. 
ચિરાગ ચનાની અને અન્ય અનેક વકીલોએ ઍડ. શ્યામ દેવાણી અને ઍડ. ઉદય વારુંજીકર મારફત અરજી કરીને જણાવ્યું છે કે વકીલોને અત્યાવશ્યક સેવાના કર્મચારીઓ ગણવા જોઈએ. લૉકડાઉનના પ્રતિબંધને લીધે અદાલતમાં જતી વખતે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની પરવાનગી ન હોવાને કારણે વકીલોને અનેક અગવડોનો સામનો કરવો પડે છે. આ વિષયે મુખ્ય ન્યાયમૂર્તિ દિપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ સારંગ કોતવાલની ખંડપીઠ સમક્ષ વિડીયો કોન્ફ્રરનાસિંગ દ્વારા સુનાવણી થઇ હતી. રેલવે પ્રશાસન વધુ અત્યાવશ્યક સેવા કર્મચારીઓ માટે લોકલની ફેરીઓ વધારવા તૈયાર હોવા છતાં રાજ્ય સરકાર તેને પ્રતિસાદ આપવામાં ઢીલ કરતી હોવાનું દેવાણીએ અદાલતને જણાવ્યું હતું.આ બાબતે 'બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર એન્ડ ગોવા' સંગઠને 19મી જૂને નિવેદન આપ્યાં છતાં રાજ્ય સરકારે હજી સુધી નિર્ણય લીધો ન હોવાનું વારુંજીકરે ધ્યાનમાં આણ્યું હતું. તેથી રાજ્ય સરકારે હજી સુધી અરજી અને નિવેદન પર નિર્ણય કેમ લીધો નથી એવો પ્રશ્ન ખંડપીઠે રાજ્યના એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીને કર્યો હતો. 
અગાઉ 10મી જુલાઈએ એક અરજી પર સુનાવણી કરતી વખતે અત્યાવશ્યક સેવાઓમાં કઈ સેવાઓનો સમાવેશ કરવો એ રાજ્ય સરકારનો  વિશેષાધિકાર હોવાનું એક ખંડપીઠે જણાવ્યું હતું. એ વખતે વકીલોની ફરિયાદનો વિચાર કરીશું એવું પણ સરકારી વકીલોએ જણાવતાં ખંડપીઠે સરકારને વહેલી તકે નિર્ણય લેવાનો નિર્દેશ પણ આપ્યો હતો. પરંતુ સરકારે હજી સુધી નિર્ણય લીધો નથી. આથી સરકારે ગુરુવાર સુધીમાં નિર્ણય લઈને શુક્રવાર, સાતમી ઓગસ્ટ સુધીમાં અદાલતને જણાવવો એવું વચગાળાના આદેશમાં સ્પષ્ટ કરાયું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer