કોરોના વાઈરસ ઉત્તર મુંબઈ તરફ આગળ વધી રહ્યો છે

કોરોના વાઈરસ ઉત્તર મુંબઈ તરફ આગળ વધી રહ્યો છે
મુંબઈ, તા. 27 : બૃહન્મુંબઈ મહાનગરપાલિકાના ઉત્તર-પશ્ચિમ પરામાં થોડા અઠવાડિયા અગાઉ કોવિડ-19ના છૂટાછવાયા કેસ નોંધાયા હતા, પણ હવે અચાનક એમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. દહીસર, બોરિવલી, કાંદિવલી અને મલાડ નવા હૉસ્પૉટ તરીકે ઊભરી આવ્યા છે. અહીંની વિચિત્રતા એ છે કે કોરોનાના કેસ ઝૂંપડપટ્ટી વિસ્તારની સાથે હાઇરાઇઝ બિલ્ડિગમાં પણ મળતા હોવાથી એને ફેલાતો અટકાવવામાં મુશ્કેલી પડી રહી છે. 26 જૂના આંકડાઓ મુજબ, છેલ્લા સાત દિવસમાં મહામારીનો વૃદ્ધિદર આર (મધ્ય) વૉર્ડના બોરીવલીમાં સૌથી વધુ 3.5 ટકા હતો. ત્યાર બાદ પી (ઉત્તર)ના મલાડમાં 2.7 ટકા જેટલો હતો. જ્યારે આર (દક્ષિણ) કાંદિવલીમાં 2.6 ટકા, આર (ઉત્તર) દહીસર પૂર્વમાં 2.5 ટકા વૃદ્ધિદર હતો. 
કાંદિવલીમાં નવા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કેસ નોંધાયા છે. અહીં પ્રશાસન ધારાવી પેટર્નનો અમલ કરી રહી છે, જેમાં આ વૉર્ડના શંકાસ્પદ સંક્રમિતોને ઓળખવા, ક્વૉરન્ટાઇન કરવા અને તેમના ટેસ્ટ કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. પાલિકા કમિશનર ઇકબાલ ચહલે સોમવારે મિશન ઝીરો લૉન્ચ કર્યું જેમાં રૅપિડ ઍક્શન પ્લાનની સાથે 50 મોબાઇલ ડિસ્પેન્સરી, ડૉક્ટર્સની સાથે તમામ સુવિધાઓ ઉત્તર મુંબઈ માટે ઉપલબ્ધ કરી છે. ડિસ્પેન્સરી અૉન વ્હીલ ઉત્તર-પશ્ચિમના પરાઓ દહીસર, બોરીવલી, કાંદિવલી, મલાડ અને ઉત્તર-પૂર્વના પરા ભાંડુપ અને મુલુંડ ખાતે દરદીઓને અલગ તારવી બે-ત્રણ અઠવાડિયા સારવાર આપશે.
મહાપાલિકા અને મુંબઈ પોલીસે આ વિસ્તારમાં ફરી લૉકડાઉન અમલમાં મુક્યો છે. માત્ર છ દિવસના સમયગાળામાં 2664 ( 13 જૂન)ની સામે 19 જૂને આંકડો વધીને 3488નો થતાં ગયા અઠવાડિયે મલાડ (પૂર્વ)ના અમુક વિસ્તારોમાં ફરી પૂર્ણપણે લોકડાઉન અમલમાં મુકાયો હતો. 
પાલિકાના પી (ઉત્તર) વૉર્ડના અધિકારીએ જણાવ્યું કે છેલ્લા 10 દિવસથી મલાડ (પૂર્વ)ના અપ્પાપાડા અને કોકણીપાડા વિસ્તારમાં પૂર્ણપણે લોકડાઉન અમલમાં મુકાયા બાદ થોડો સુધારો થયો હોવાનું જણાયું છે. આને પગલે પોલીસે સૂચવ્યું હતું કે, પાલિકાએ બે વિસ્તારો કાંદિવલી (પૂર્વ)ના કાજુપાડા અને દહીસર પશ્ચિમના ગણપત પાટીલ નગરમાં લોકડાઉન લંબાવવામાં આવે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer