રાજ્યમાં આ વખતે ગણેશોત્સવમાં ગણેશમૂર્તિની મહત્તમ ઊંચાઈ ચાર ફૂટ રહેશે

રાજ્યમાં આ વખતે ગણેશોત્સવમાં ગણેશમૂર્તિની મહત્તમ ઊંચાઈ ચાર ફૂટ રહેશે
મૂર્તિની ઊંચાઇ કરતા શ્રદ્ધા અને સમર્પણ વધુ મહત્ત્વના 
મુંબઈ તા.27 : આ વર્ષે ગણેશોત્સવમાં ચાર ફૂટથી વધુ ઊંચાઇની ગણેશ મૂર્તિઓની સ્થાપના ન કરવાની અપીલ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે તમામ ગણેશ મંડળોને કરી હતી. કોરોના મહામારીના પગલે આ વર્ષે મંડળોને ઊંચી મૂર્તિઓની સ્થાપના ન કરવાનું અને સાદગીથી ગણેશોત્સવ પરંપરાગત રીતે ઊજવવાનું ઠાકરેએ જણાવ્યું હતું. આ વર્ષે 22 અૉગસ્ટથી મહારાષ્ટ્રના વિશ્વ પ્રસિદ્ધ ગણેશોત્સવનો શુભારંભ થવાનો છે. 
મુંબઈમાં દર વર્ષે ભવ્ય પંડાળોમાં તોતિંગ મૂર્તિઓની સ્થાપના જાણીતા મંડળો દ્વારા કરવામાં આવે છે. 
મુખ્ય પ્રધાન ઠાકરેએ આજે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે મૂર્તિઓની ઊંચાઇ કરતા શ્રદ્ધા અને સમર્પણ મહત્ત્વનું છે.  ઠાકરેએ નિવેદનમાં કહ્યું હતું કે આ વર્ષે કોરોનાની મહામારીએ વિશ્વભરમાં સંસ્કૃતિ અને પરંપરાઓ પર ગંભીર અસર પહોંચાડી છે. મહામારી ફેલાવો રોકવા મોટી સંખ્યામાં લોકો એકત્ર ન થાય એ ધ્યાનમાં લઇને વિશ્વભરમાં ધાર્મિક સ્થળોના દરવાજા પણ બંધ કરાયા છે. આપણે પણ ગણેશોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્ર ન થાય એની તકેદારી રાખવાની છે, તેથી ખાસ કરીને મુંબઈ અને પુણેના જાણીતા ગણેશ મંડળો સાથે ચર્ચા વિચારણા કરીને મોટા કદની મૂર્તિઓની સ્થાપના કરવાના બદલે શ્રદ્ધા અને ભક્તિથી ગણેશોત્સવ ઊજવવાની અપીલ કરી છે. ગણેશ મંડળોએ ચાર ફૂટથી વધુ ઊંચાઇની મૂર્તિની સ્થાપના ન કરવી એવી અપીલ કરવામાં આવે છે. આગામી ગણેશોત્સવની ઉજવણી અંગે રાજ્ય સરકારે કેટલાક આદેશો  બહાર પાડ્યા છે, જે હેઠળ ગણપતિબાપાની મૂર્તિની મહત્તમ ઊંચાઈ ચાર ફૂટ રાખી શકાશે. 
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કોરોના મહામારીને પગલે ગણેશોત્સવ સાદાઈથી ઊજવવાની અપીલ ગણેશ મંડળોને કરી હતી, જેથી મંડપોમાં ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ પાળી શકાય. 
અધિકારીઓએ જણાવ્યું હતું કે મૂર્તિની ઊંચાઈ ઓછી રાખવાનો નિર્ણય લેવાયો છે, કારણકે બાપાની મોટી વિશાળકાય મૂર્તિઓને વર્કશોપમાંથી લાવવા અને વિસર્જન વખતે અનેક ભક્તોની જરૂર પડે અને ભીડ થાય. દર્શન અને વિસર્જનની વિગતવાર નિયમાવલી બહાર પાડવામાં આવશે. 
ઠાકરેએ મંડળો સાથે બે મિટિંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભક્તોની ભીડ થવી જોઈએ નહીં અને સરઘસ નીકળવું જોઈએ નહીં. મૂર્તિની ઊંચાઈનું મહત્ત્વ નથી, ભક્તિનું મહત્ત્વ છે. 
 શહેરમાં ગણપતિની મૂર્તિઓનું સૌથી મોટું વર્કશોપ ધરાવતા રેશમા ખાતુએ કહ્યું હતું કે અમે મુખ્ય પ્રધાનના નિર્ણયને માથે ચડાવીએ છીએ. ખાતુની મૂર્તિઓ ઉપરાંત લાલબાગ પરેલનાં વર્કશોપમાં 15થી 25 ફૂટ ઊંચાઈની મૂર્તિઓ બને છે. 
 લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળના પ્રમુખ બાળાસાહેબ કાંબળેએ કહ્યું હતું કે અમને જીઆરની નકલ મળી નથી અને મંગળવારની અમારી કમિટીની બેઠકમાં ચર્ચા વિચારણા કર્યા બાદ પ્રતિસાદ આપીશું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer