ત્રણ મહિનામાં બાયો વેસ્ટમાં ત્રણ ગણો વધારો : નિકાલ પડકારજનક

ત્રણ મહિનામાં બાયો વેસ્ટમાં ત્રણ ગણો વધારો : નિકાલ પડકારજનક
મુંબઈ, તા. 27 : છેલ્લા ત્રણ મહિનામાં શહેરમાં બાયો વેસ્ટના ભેગા થવાનું પ્રમાણ ત્રણ ગણું વધ્યું હોવાથી મહાપાલિકાએ દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ ખાતે એના નિકાલની સુવિધામાં વધારો કરી રહી છે. માર્ચ મહિનામાં રોજનો સરેરાશ 11,344 કિલો બાયો મેડિકલ વેસ્ટ ભેગો થતો હતો એ જૂન મહિનામાં વધીને 21,685 પર પહોંચ્યો છે. 
પાલિકાના અધિકારીઓનું કહેવું છે કે તેમણે એસએમએસ એન્વોક્લિન પ્રાઇવેટ લિમિટેડ, જે સીબીડબ્લ્યુટીએફ (કૉમન બાયો-મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ઍન્ડ ડિસ્પોઝેબલ ફેસિલિટી) ચલાવે છે એમને પત્ર લખી દેવનાર ખાતેની નિકાલની ક્ષમતા વધારવા જણાવ્યું છે. જેથી શહેરમાંથી ભેગા થતાં વધારાના કચરાનો નિકાલ કરી શકાય. ગયા મહિને ચીફ સેક્રેટરી સાથે યોજાયેલી માટિંગ બાદ આ પત્ર મોકલવામાં આવ્યો હતો. 
બાયો વેસ્ટ સામાન્યપણે હૉસ્પિટલ ઉપરાંત કોવિડ કેર સેન્ટર્સ અને  ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર્સ ખાતેથી નીકળતો હોય છે. એમાં લૅબોરેટરી વેસ્ટ, ગ્લવ્ઝ, સોઈ, સ્વૅબ્સ અને ટિસ્યુનો સમાવેશ થાય છે. ઉપરાંત એવા સાધનો જે સીધા લોહીના સંપર્કમાં આવતો હોય કે લૉન્ડ્રીમાંથી નીકળતો બાયો વેસ્ટ સામેલ છે. એમાં કોવિડ સંબંધિત કામ સાથે સંકળાયેલા કર્મચારીઓએ ઉપયોગમાં લીધેલી પીપીઈ કિટ, માસ્ક અને નાગરિકોએ ઉપયોગમાં લીધેલાં ગ્લવ્ઝ પણ બાયો વેસ્ટમાં આવે છે. 
કોવિડ-19ના દરદીઓના ફૂડ વેસ્ટનો નિકાલ જમીનમાં ઊંડે દાટીને કરવામાં આવે છે. આ કચરા પર સોડિયમ હાઇપોક્લોરાઇડ છાંટવામાં આવતું હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યું. 
આઈઆઈટી બૉમ્બેના સેન્ટર ફોર એન્વાયર્મેન્ટ સાયન્સ ઍન્ડ એન્જિનિયારિંગના ઍસોસિયેટ પ્રોફેસર મુનિશ કે. ચંદેલનું કહેવું છે કે કોવિડ વૉર્ડમાંથી નીકળતા સોલિડ વેસ્ટને ઊંડે દાટી દેવો એ નિકાલની યોગ્ય પદ્ધતિ નથી. આ કચરો પોઝિટિવ દરદીઓના સંપર્કમાં આવ્યો હોય છે અને અને એમાં વાઈરસ હોવાની પૂરી સંભાવના રહેલી છે. એટલે, એને બાળવો હિતાવહભર્યો ઉકેલ છે. જ્યારે ચેમ્બુરસ્થિત એડવાન્સ લોકોલિટી મૅનેજમેન્ટ ઍન્ડ નેટવર્કિંગ ઍક્શન કમિટીના રાજકુમાર શર્માનું કહેવું છે કે ચેમ્બુરના ઘણા રહેવાસીઓએ દેવનાર ખાતેના કચરાના નિકાલ માટેના પ્લાન્ટમાંથી કાળો-જાડો ધુમાડો નીકળતો જોયો છે. નિષ્ણાતોનું માનવું છે કે વધુ પડતા બાયો વેસ્ટનો નિકાલ કરવા પ્લાન્ટ વધુ સમય ચલાવાતો હશે એટલે આવો ધૂમાડો નીકળી શકે છે. 
એનજીઓનું માનવું છે કે સલૂન જેવા વધુ ધંધાઓ ખુલતા જશે તેમ બાયો વેસ્ટનું પ્રમાણ અનેકગણું વધશે. એટલે પ્રશાસને કોણે પીપીઈ સૂટનો ઉપયોગ કરવો જોઇએ એની માર્ગદર્શિકા તૈયાર કરવી  જોઇએ અથવા ફરી ઉપયોગમાં લઈ શકાય એવા પીપીઈ સૂટનો વિકલ્પ અપનાવવો જોઇએ. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer