`સી'' વૉર્ડના ક્ન્ટેન્ટમેન્ટ ઝોનમાં રોડ બંધ થશે

`સી'' વૉર્ડના ક્ન્ટેન્ટમેન્ટ ઝોનમાં રોડ બંધ થશે
આવતા અઠવાડિયે કાપડ બજારો શરૂ થવાની છે ત્યારે...
અમુલ દવે તરફથી 
મુંબઈ, તા. 27 : `સી' વૉર્ડના કાપડના 12 નાનામોટા બજારો આવતા સપ્તાહે ખુલવાના છે ત્યારે પાલિકાએ પ્રો-એક્ટિવ બનીને કોરોના સામે  સાવચેતીના પગલાં તરીકે સી વૉર્ડના કન્ટેનમેન્ટ જોનનો ટ્રાફિક  બંધ કરાવ્યો છે. પાલિકા કહે છે કે ભૂલેશ્વર, કાલબાદેવી અને ફણસવાડી જેવા વિસ્તારોમાં કોરોનાના કેસ વધતા હોવાથી અમે અમુક રહેણાંક  વિસ્તારોનો ટ્રાફિક બંધ કરાવ્યો છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ચક્રપાણી આલેએ દાદીશેઠ અગિયારી લેનથી બાબાસાહેબ જયકર માર્ગ અને કોલિવાડીથી ભાસ્કર લેનનો બધો ટ્રાફિક બંધ કરાવ્યો છે. અનંતવાડી, ફણસવાડી અને ભાસ્કર લેનમાં કોરોનાના કેસ વધતા હોવાથી ટ્રાફિક સદંતર બંધ કરાયો છે.  
અહીં ઉલ્લેખનીય છે કે સી વૉર્ડમાં 16 જૂને 782 કેસ હતા અને 25 જૂને આ વધીને 937 થયા હતા. પાલિકા કહે છે કે સી-વૉર્ડમાં વિવિધ કાપડ બજારો, લોખંડ બજાર, ઇલેક્ટ્રિક બજાર, ઇનીમેશન, બંગડી બજાર, યાર્ન બજાર, દવા બજાર, કટલરી અને સ્ટેશનરી બજારો છે અને ભૂલેશ્વર-કાલબાદેવી લોકડાઉન પહેલાં ધમધમતો વિસ્તાર રહેલો છે. અમે વિવિધ બજારના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી છે અને અમે કાપડ બજાર ચાલુ કરવાની ગાઈડલાઈન બહાર પાડીશું, જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય. અમે ખાસ કાળજી રાખી રહ્યા છીએ. અમે ગીચોગીચ વિસ્તારોમાં કોરોના ન ફેલાય એના અગમચેતીના પગલાં તરીકે  કન્ટેનમેન્ટ ઝોનમાં કડક નિયમો અખત્યાર કર્યા છે. જોકે, લોકો નિયમોનું પાલન ન કરતા હોવાથી કોરોનાનો પ્રસાર થાય છે. 
કાલબાદેવીની 12 બજારના 20,000 વેપારીઓ તેમની દુકાનો ખોલવા ઉત્સુક છે. એશિયાની સૌથી મોટી ટેક્સ્ટાઈલ માર્કેટ મુળજી જેઠા માર્કેટમાં 850 દુકાનો છે. આ બજાર 150 વર્ષ જૂની એને ચાર એકરમાં પથરાયેલી છે. આ માર્કેટની માલિક કંપની ન્યૂ પિસ ગુડ્સ બજાર કંપની લિમિટેડના ચૅરમૅન અને ટેકસ્ટાઈલ ટ્રેડર્સ ઍસોસિયેશન અૉફ એમ જે માર્કેટના પ્રમુક મુકેશ દેસાઈએ પાલિકા અધિકારીઓની બેઠકમાં માર્કેટ ખોલવાનો પ્લાન આપ્યો છે. તેમણે એવો આશાવાદ વ્યક્ત કર્યો છે કે એકાદ સપ્તાહમાં બજારો ખુલી જશે. બજારના 14 ગેટમાંથી એક જ ગેટમાં પ્રવેશ અપાશે અને બજારન ત્રણ ભાગોમાં વિભાજિત કરાશે અને ત્રણેય ભાગો વારાફરતી રીતે ખુલશે.  
કાલબાદેવીમાં બીજી બજારો સ્વદેશી બજાર, પંકજબજાર, આરજે બજાર, કક્કડ બજાર, એલકે બજાર, કૃષ્ણા બજાર અને સિંધ બજાર છે.  
પાલિકા સાથેની બેઠકમાં મંગળદાસ  અને સ્વદેશી બજારના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. આ બજારના પ્રતિનિધિઓએ કહ્યું હતું કે અમે સરકાર જે ગાઈડલાઈન એટલે કે ઓડ-ઇવન કે જે રીતે કહે એ રીતે દુકાનો ખોલવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા સજ્જ છીએ. સ્વદેશી બજારના ટ્રેડર અને બૉમ્બે સ્વદેશી માર્કેટ બોર્ડના પ્રેસિડન્ટ જિતેશ ઉનડકતે કહ્યું હતં કે અમારી પરંપરાગત બજારો છે. અમારી બજારમાં સેન્ટ્રલ એરકન્ડિશાનિંગ કે એન્ટરટેનમેન્ટ એરિયા નથી. આથી અમારી બજારને સંકુલ ન ગણી શકાય. અમારી બજારમાં 350 વેપારીઓ છે અને અમે સરકાર કહે તે મુજબ દુકાનો ખોલવા સજ્જ છીએ. સ્વદેશી બજારના મંત્રી સુધીર શાહે કહ્યું હતું કે અમને પાલિકા તરફથી લેખિત સૂચના મળી નથી અમે પાલિકાની લીલીઝંડીની રાહ જોઈ રહ્યા  છીએ.  
મંગળદાસ માર્કેટ પણ સ્વદેશી માર્કેટની જેમ  ગીચોગીચ છે અહીં 650 જેટલી મોટાભાગની રિટેલ દુકાનો છે. દુકાનો વચ્ચેનું અતંર ઓછું છે, મંગળદાસ ક્લોથ માર્કેટ ઍસોસિયેશનના પ્રમુખ સુરેન્દ્ર વોરાણીએ કહ્યું હતું કે સોમવારથી બજાર ખુલવાની અમને આશા છે. અમે 17માંથી બે ગેટ ખુલ્લા રાખવા તૈયાર છીએ. મંગળદાસ બજારના અગ્રણી ભરતભાઈ ઠક્કરે કહ્યું હતું કે અમે ઓડ-ઇવનના નિયમથી દુકાનો ચાલુ કરવા તૈયાર છીએ. બજારમાં સામાજિક દૂરી રાખવા પણ અમે સજ્જ છીએ.  
જોકે, મુખ્ય સવાલ એ છે કે બજારો ખુલશે પરંતુ ધરાકો કઈ રીતે આવશે. કાપડ બજારના વેપારી વિનોદબાઈ ચોથાણીએ કહ્યું હતું કે અમે દુકાન ખોલીને પણ શું કરીશું. ગુમાસ્તા, પાટીવાળા, લારીવાળી, ટ્રાન્સપોર્ટવાળા અને અમારા કામદારો તો ગાયબ છે. જ્યાં સુધી લોકલ ટ્રેન નહીં ચાલુ થાય ત્યાં સુધી ગાડી પાટા પર આવશે નહીં, દુકાનો ખોલવાનો સંતોષ લેવા અમે દુકાનો ખોલીશું, પરંતુ ગ્રાહકો ક્યાં છે. અત્યારે લોકોની ભીડ ફક્ત કરિયાણું, દવાઓ, શાકભાજી જેવી જીવનાવશ્યક વસ્તુઓની દુકાનોમાં જ જોવા મળે છે.  
મુંબઈ ટેક્સ્ટાઇલ મર્ચન્ટસ મહાજનના પ્રેસિડન્ટ કૃષ્ણકુમાર કોટેચા કહે છે કે લોકડાઉન અમલમાં આવ્યું ત્યારથી અમારી દુકાનો બંધ છે. અમારા વિતરકો પાસથી લેણીની રકમ આવતી નથી. અમે રમઝાન અને એપ્રિલ અને મેની લગ્નસરાને  ધ્યાનમાં રાખીને ખરીદેલો સ્ટોક એમનેમ પડ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer