જળાશયોમાં 30 દિવસ ચાલે એટલું જ પાણી

જળાશયોમાં 30 દિવસ ચાલે એટલું જ પાણી
મેઘરાજાની મહેર નહીં થાય તો મુંબઈમાં પાણીકાપ 
મુંબઈ, તા. 27 : શહેરમાં પાણી પૂરા પાડતાં જળાશયોમાં તેમની ક્ષમતાના નવ ટકા જેટલું જ પાણી છે અને જો ખાસ કરીને જુલાઈ મહિનામાં સારો વરસાદ નહીં પડે તો મુંબઈગરા પર પાણીકાપની તલવાર લટકે છે. મે મહિનામાં જળાશયોમાં પાણીનો પૂરતો સ્ટોક હતો, પરંતુ જૂન મહિનામાં જોઈએ એટલો વરસાદ પડ્યો નથી. 2018માં અપૂરતો વરસાદ પડતાં ગયા વર્ષના જુલાઈ મહિના સુધી પાણીકાપ અમલમાં મુકાયો હતો. જોકે 2019માં ભરપુર વરસાદ પડ્યો હતો અને ચોમાસું ડિસેમ્બર સુધી લંબાઈ ગયું હોવાથી બધા જળાશયો છલકાઈ ગયા હતા. 2020ના ઉનાળામાં પણ પાણીનો સ્ટોક સારો રહ્યો હતો.  
24 એપ્રિલે જળાશયોમાં પાણીનો જથ્થો 29 ટકા હતો, જે 2019માં આ જ તારીખે 19 ટકા હતો. જોકે, 26 જૂને તળાવો સુકાવા માંડ્યા છે. જળાશયોની કુલ ક્ષમતા 14.47 લાખ મિલિયન લીટરની છે અને હાલમાં 1.36 લાખ મિલિયન લીટર પાણી છે. શહેરને દરરોજ 3800 મિલિયન લીટરનો જથ્થો પૂરો પડાય છે. આ હિસાબે આ પાણી 30 દિવસ ચાલે એટલું છે. પાલિકાની આના પર નજર છે. પાલિકાને આશા છે કે ભૂતકાળની જેમ જુલાઈમાં ભરપૂર વરસાદ પડશે. જૂનમાં ચોમાસું મોડું બેઠું છે. છેલ્લા છ વર્ષમાં આ ત્રીજીવાર જળાશયોમાં દસ ટકાથી ઓછો સ્ટોક છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer