ગલવાન નદીમાં પડેલા સૈનિકને બચાવતાં મૃત્યુ પામેલા આર્મીના નાયક સચિન મોરેના નાશિકમાં અંતિમ સંસ્કાર

પુણે, તા.27 : લદાખના લેહમાં વિષમ હવામાન વચ્ચે રોડ અને બ્રિજના બાંધકામ દરમિયાન 24 જૂને મૃત્યુ પામેલા નાયક ડીએસવી સચિન મોરેનો મૃતદેહ શુક્રવારે સાંજે લશ્કરી સન્માન સાથે પુણે ઍરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. આર્મીના અધિકારીઓએ ઍરપોર્ટ પર આ બહાદુર નાયકને શ્રદ્ધાંજલિ આપી હતી.
સાઈટ નજીક ગલવાન નદીમાં એક સૈનિક પડી જતાં નાયકે તેને બચાવવા નદીમાં ઝંપલાવ્યું હતું અને પોતાનો જીવ ખોયો હતો.
સધર્ન કમાન્ડ ડિફેન્સની અખબારી યાદીમાં જણાવાયું હતું કે મોરે મહારાષ્ટ્રનો બહાદુર પુત્ર હતો, જેણે લેહમાં વિપરિત હવામાન વચ્ચે પણ રોડ અને બ્રિજના બાંધકામ દરમિયાન રાષ્ટ્ર સેવા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. પુણેમાં લશ્કરના સ્ટેશન કમાન્ડરે આર્મી કમાન્ડર અને સધર્ન કમાન્ડના તમામ રેન્કના અધિકારીઓ વતી નાયક મોરેને શ્રદ્ધાંજલિ આપી હતી.મોરે નાશિક જિલ્લાના સાકોરી ગામના હતા અને આજે સવારે લશ્કરી સન્માન સાથે વતનના ગામે તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. પરિવારમાં તેમની પત્ની છે. અંતિમવિધિમાં આખું ગામ ઊમટી પડયું હતું અને વિરોચીત અંતિમ વિદાય આપી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer