શાળાઓને વધારેલી ફી નહીં વસૂલવાનું જણાવતા સરકારી આદેશ સામે હાઈ કોર્ટનો સ્ટે

મુંબઈ, તા. 27 : શૈક્ષણિક વર્ષ 2020-21 માટે નવી વધારેલી ફી વસૂલવા સામે શાળાઓને મનાઈ ફરમાવતા રાજ્ય સરકારના 8મી મેના ગવર્મેન્ટ રિઝોલ્યુશન (જીઆર)ને શુક્રવારે મુંબઈ હાઈ કોર્ટે સ્ટે આપ્યો હતો. 
આ જીઆરને રદ કરવાની દાદ ચાહતી ચાર અરજીઓ હાઈ કોર્ટમાં નોંધાવવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકારના જીઆરને વધુ પડતો, ગેરકાનૂની અને ગેરબંધારણીય ગણાવાયો હતો. 
ચાર અરજદારોમાં ઍસોસિયેશન અૉફ ઇન્ડિયન સ્કૂલ્સ, કાસેગાંવ એજ્યુકેશન સોસાયટી, ગ્લોબલ એજ્યુકેશન ફાઉન્ડેશન અને સંત જ્ઞાનેશ્વર માઉલી સંસ્થાનો સમાવેશ થાય છે. 
શાળાઓ વતી એવી દલીલ કરવામાં આવી હતી કે મહારાષ્ટ્ર એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂશનલ એક્ટ(ફીનું નિયમન) હેઠળ આ કાયદા સાથે સુસંગત ન હોય એવા આદેશ સરકાર બહાર પાડી શકે નહીં  અને રાજ્યે જે રીતે ફીનું નિયમન કર્યું છે એ પણ કાયદાના દાયરામાં આવતું નથી. 
અરજીઓમાં જણાવાયું હતું કે જીઆરને પગલે રાજ્યનાં શિક્ષણ ખાતાએ શાળાઓને લખી જણાવ્યું હતું કે વર્ષ 2019-20 માટે ફી વસૂલવાનો આગ્રહ રાખવો નહીં અને આવતા શૈક્ષણિક વર્ષ માટે ફી વધારવી નહીં. 
વીડિયૉ કૉન્ફરન્સિંગ મારફતે થયેલી સુનાવણીમાં અરજદારો વતી રજુઆત કરાઈ હતી કે જીઆર વૅલીડ નથી, કારણકે રાજ્યને ફીઝ એક્ટ કે ડિઝાસ્ટર મૅનેજમેન્ટ એક્ટ હેઠળ ખાનગી શાળાઓની ફી નિયંત્રણ કરવા કે આગામી વર્ષથી કેટલી ફી વસૂલવી એ નક્કી કરવાની સત્તા નથી. 
  સરકાર વતી એવી રજૂઆત કરાઈ હતી કે રાજ્યને ફી એકટ અને ડિઝાસ્ટર મૅનેજમેન્ટ એક્ટ હેઠળ જીઆર બહાર પાડવાની સત્તા છે. કોર્ટે શુક્રવારે વધુ સુનાવણી પછીથી રાખવા જણાવ્યું હતું પણ ત્યાં સુધી જીઆરને સ્થગિત રાખવાનો આદેશ આપ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer