27 ઈન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકો પાસેથી પરાણે રાજીનામાં લેવાયાં

મુંબઈ, તા. 27 : ધ અમેરિકન સ્કૂલ અૉફ બૉમ્બેના ભારતીય અને વિદેશી કર્મચારીઓને તેમની નોકરીનો કોન્ટ્રાક્ટ રદ કરવા તેમના વાર્ષિક પગારનો ત્રીજો ભાગ જ આપવામાં આવ્યો છે. 
ધ અમેરિકન સ્કૂલ અૉફ બૉમ્બે, જે શહેરની અગ્રણી ઇન્ટરનેશનલ સ્કૂલોમાંની એક છે, જ્યાં ડિપ્લોમેટ્સ અને વિદેશીઓના બાળકોને ભણાવવામાં આવે છે, એણે લૉકડાઉનને પગલે દેશ-વિદેશના મળી 27 શિક્ષકોને છૂટા કર્યા છે. સ્કૂલનું કહેવું છે કે કોવિડ મહામારીને કારણે ઓછા વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હોવાથી આ પગલું ભરવું પડ્યું છે. 
સૂત્રના જણાવ્યા મુજબ, એપ્રિલ મહિનામાં હેડ અૉફ ધ સ્કૂલ ક્રેગ જ્હૉન્સન અને સ્ટાફના સભ્યો વચ્ચે થયેલી માટિંગ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કર્મચારીઓને બે-ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા હતા એ સાથે તેમના પર્ફોર્મન્સને પણ ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. દરેકે તેમની પસંદગી મૅનેજમેન્ટને જણાવી હતી. ત્યાર બાદ કોને છૂટા કરવા એ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 
સૂત્રનું કહેવું છે કે શિક્ષકો પાસે જબરજસ્તી રાજીનામાં માગી લેવામાં આવ્યાં હતાં. એ સાથે તેમને તેઓ તેમની મરજીથી નોકરી છોડી રહ્યા હોવાનું લખવાની ફરજ પાડી હતી. કર્મચારીઓને અપાયેલા પત્રમાં જણાવાયું હતું કે ઇન્ટરનેશનલ સ્કૂલ કમ્યુનિટી નાની હોવાથી આ પગલું ભરવાની ફરજ પડી છે. સ્કૂલમાં ફરજ બજાવતા વિદેશી મૂળના શિક્ષકોને વરસે 60થી 80 હજાર ડૉલર ચુકવવામાં આવતા હતા. જ્યારે ભારતીય મૂળના શિક્ષકોને વરસનો 10થી 20 હજાર ડૉલર જેટલો પગાર હતો. 
એએસબીનું સંચાલન ધ અમેરિકન સ્કૂલ અૉફ બૉમ્બે એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યંy છે, જેના ચૅરમૅન છે અમેરિકન કોન્સલ જનરલ. કોવિડ મહામારીને કારણે આ વરસે ઘણા ઓછા વિદ્યાર્થીઓએ ઍડમિશન લીધું હોવાનું સંચાલકોનું કહેવું છે. ઉપરાંત તેમના પવઈ ખાતેના ત્રીજા કેમ્પસમાં પણ ભારે રોકાણ કરવામાં આવ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer