કોરોનાના દરદીઓમાં સુગરના પ્રમાણમાં વધારો ડૉક્ટર્સને ચિંતા

મુંબઈ, તા. 27 : ડાયાબિટીઝ ન હોય એવા કોવિડ-19ના દરદીઓમાં અનિયંત્રિત સુગર લેવલ જોવા મળતું હોવાનું મુંબઈની ખાનગી અને જાહેર હૉસ્પિટલના ડૉક્ટરોએ જણાવ્યું છે. આને કારણે ચેપને નિયંત્રણમાં રાખવો મુશ્કેલ બનવાની સાથે ક્યારેક જીવનું પણ જોખમ રહેલું છે. 
કેઇએમ હૉસ્પિટલની ટીમ આ અંગે અભ્યાસ કરી રહી છે. તેમને વિશ્વાસ છે કે સુગર લેવલમાં થતા વધારાનું કારણ ઉપરાંત દરદી માટે જોખમી છે કે નહીં અને એને કારણે લાંબાગાળે કોઈ અસર થશે કે નહીં એના કારણો જાણી શકાશે. 
કોવિડ આપણા જીવનમાં આવ્યો એ અગાઉ, ભારતમાં ડાયાબિટીઝ એક સળગતો પ્રશ્ન હતો.  ભારતમાં અંદાજે 77 મિલિયન લોકોને ડાયાબિટીઝ છે અને વિશ્વમાં ચીન પછી બીજા ક્રમાંકનો સૌથી અસરગ્રસ્ત દેશ છે. નિષ્ણાતોનું કહેવું છે કે ડાયાબિટીઝથી પીડાતી વિશ્વની પ્રત્યેક છ વ્યક્તિમાંથી એક ભારતની છે. ચિંતાજનક બાબત એ છે કે ઇન્ટરનેશનલ ડાયાબિટીઝ ફેડરેશનના અંદાજ મુજબ 2045 સુધીમાં ભારતમાં ડાયાબિટીઝના 134 મિલિયન દરદીઓ હશે. 
કેઇએમ હૉસ્પિટલના ડીન ડૉક્ટર હેમંત દેશમુખે જણાવ્યું કે, અન્ય બીમારીઓ ધરાવતા સિનિયર સિટિઝનના મૃત્યુના દરમાં સુધારો થયો છે, પરંતુ હૉસ્પિટલમાં 25થી 55ની વયજૂથના અનેક કોવિડ-19 દરદીઓમાં સુગર લેવલ ઘણું વધારે જોવા મળ્યું હતું. 
ગયા અઠવાડિયે જ 43 વર્ષની વ્યક્તિનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો એને મુલુંડની ફોર્ટિસ હૉસ્પિટલમાં ભારે તાવ અને શરીરના દુ:ખાવાની ફરિયાદને પગલે દાખલ કરાયો હતો. દરદીને ડાયાબિટીઝની તકલીફ નહોતી. એને હૉસ્પિટલમાં દાખલ કરાયો ત્યારે એનું સુગર લેવલ 480 એમજી/ડીએલ હતું. બ્લડ સુગર લેવલ 140 હોય તો એને સામાન્ય ગણવામાં આવે છે. 
પહેલા દિવસે એને ઇન્સ્યુલિન આપવામાં આવ્યું. આમ છતાં એનું સુગર લેવલ ઘણું ઊંચું રહેતું હોવાથી આઇસીયુમાં ટ્રાન્સફર કરાયો. બીજા દિવસે એના બ્લડ સુગરને નિયંત્રણમાં લેવા રાત્રે લોંગ એક્ટિંગ ઇન્સ્યુલિન આપવામાં આવ્યું. દરદીના કોવિડ-19ના લક્ષણો ત્રણ-ચાર દિવસમાં ઘટ્યા એ સાથે એની ઇન્સ્યુલિનની જરૂરિયાત પણ ઓછી થઈ. દરદીને  જનરલ વૉર્ડમાં ટ્રાન્સફર કરાયો ત્યારે એને એકદમ ઓછી માત્રામાં ઇન્સ્યુલિન આપવું પડતું અને બે અઠવાડિયામાં એને રજા પણ અપાઈ. 
ફોર્ટિસ હૉસ્પિટલના ડીન અને સરકાર દ્વારા નિયુક્ત કોવિડ-19 ટાસ્ક ફોર્સના સભ્ય ડૉક્ટર રાહુલ પંડિતે કહ્યું કે, છેલ્લા બે મહિના દરમિયાન આવા ઘણા કેસ જોયા છે, જેમાં કોરોના વાઇરસના સંપર્કમાં આવ્યા બાદ ડાયાબિટીઝ ન હોય તેમનું સુગર લેવલ ઘણું ઊંચું ગયું હોય. અમે એનું કારણ જાણવાના પ્રયાસો કરી રહ્યા છીએ. અમુક પ્રશ્નોના જવાબ મળ્યા છે પણ એ વિશે જણાવવું ઘણું વહેલું ગણાશે. 
ટાસ્ક ફોર્સના જ સભ્ય અને સિનિયર એન્ડોક્રિનોલોજિસ્ટ અને ડાયાબિટોલોજિસ્ટ ડૉક્ટર શશાંક જોશીએ કહ્યું કે, ભારત અને વિદેશના ડૉક્ટર્સ કોવિડ-19 અને હાઇપરગ્લિસેમિયા વચ્ચેની કડીનો અભ્યાસ કરી રહ્યા છે. મુંબઈમાં પણ તલસ્પર્શી અભ્યાસ થઈ રહ્યો છે, જેમાં સાજા થયેલા દરદીઓને પાછળથી ડાયાબિટીસની તકલીફ શરૂ થઈ છે કે નહીં એની પણ નોંધ રાખવામાં આવી રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer