હાઉસિંગ સોસાયટીઓ ઘરનોકર અને ડ્રાઈવરોને પ્રવેશતાં ન રોકી શકે : રાજ્ય સરકાર

મુંબઈ, તા. 27 : મહારાષ્ટ્રનાં મંત્રાલયમાંથી સહકાર ખાતાએ શુક્રવારે પુણે ખાતેના કૉ-અૉપરેટીવ કમિશનરને એવો આદેશ આપ્યો હતો કે રાજ્યની તમામ હાઉસિંગ સોસાયટીઓને સૂચના આપો કે તેમની બિલ્ડિંગમાં ઘરનોકર અને ડ્રાઈવરોનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા પોતાના નિયમો બનાવી શકે નહીં. 
સહકાર ખાતાએ બહાર પાડેલા પત્રમાં જણાવ્યું છે કે સરકારનાં લૉકડાઉન અંગેના નિયમોમાં પણ ઘરનોકરો અને ડ્રાઈવરોને સોસાયટીમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો નથી, છતાં કેટલીક સોસાયટીઓ તેમને પ્રવેશ આપતી નથી.  
સહકાર પ્રધાન બાળાસાહેબ પાટીલે કહ્યું હતું કે જો અમને આવી કોઈ ફરિયાદ મળી તો એ સોસાયટી સામે કડક પગલાં લેવાશે. મહારાષ્ટ્ર સોસાયટીઝ વેલફેર ઍસોસિયેશને (મહાસેવા) કહ્યું હતું કે અમે સરકારની નવી નિયમાવલીની વિગતોની રાહ જોઈ રહ્યા છીએ. માર્ચમાં લૉકડાઉન જાહેર થયું પછી અનેક સોસાયટીઓએ ઘરનોકરો અને ડ્રાઈવરોનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. 
પત્રમાં જણાવાયું હતું કે સરકાર દ્વારા સમયે સમયે બહાર પાડવામાં આવતા નિયમોનું સહકારી હાઉસિંગ સોસાયટીઓએ પાલન કરવું જોઈએ અને ઘરનોકરો, ડ્રાઈવરોનાં પ્રવેશ અંગેના પોતાના નિયમો સોસાયટીઓએ બનાવવા જોઈએ નહીં. સહકાર ખાતાના વરિષ્ઠ અધિકારી કે. સી. બડગુજરે આ પત્ર બહાર પાડ્યો છે. 
મહાસેવાના પ્રમુખ રમેશ પ્રભુએ કહ્યું હતું કે આ સંબંધમાં હાઉસિંગ સોસાયટીઓની મૅનેજિંગ કમિટીઓએ પોતાના નિયમો બનાવવા જોઈએ નહીં, પરંતુ કેટલાક સાવચેતીનાં પગલાં લેવાં જોઈએ. શુક્રવારના સહકાર ખાતાના પત્રથી આ મુદ્દો વધુ સ્પષ્ટ થઈ ગયો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer